સંસદે 135 વર્ષ જૂના કાયદાને બદલી નવો ‘બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ-2026’ મંજૂર કર્યો
ઇલેક્ટ્રોનિક એન્ટ્રીઓ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિગતો અને અન્ય ઇલેક્ટ્રોનિક બેંકિંગ રેકોર્ડ હવે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરી શકાશે
- Advertisement -
ઓનલાઈન છેતરપિંડીની તપાસ, બેંકિંગ સંબંધિત કેસોના ઝડપી નિકાલ થશે
દેશની બેંકિંગ વ્યવસ્થાને ડિજિટલ યુગ સાથે સુસંગત બનાવવા માટે સંસદે ઐતિહાસિક નિર્ણય લીધો છે. સંસદ દ્વારા ‘બેંકર્સ બુક્સ એવિડન્સ બિલ-2026’ને મંજૂરી આપવામાં આવી છે, જે 135 વર્ષ જૂના બેંકર્સ બુક્સ એવિડન્સ
એક્ટ-1891નું સ્થાન લેશે. નવા કાયદા હેઠળ હવે માત્ર કાગળના દસ્તાવેજો જ નહીં, પરંતુ બેંકોના ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ રેકોર્ડને પણ કોર્ટમાં કાનૂની પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે. આ પગલાથી બેંકિંગ પ્રક્રિયા વધુ
ઝડપી, પારદર્શક અને આધુનિક બનવાની અપેક્ષા છે.
જૂનો કાયદો તે સમયનો હતો જ્યારે બેંકના તમામ હિસાબો જાડા રજિસ્ટરો અને કાગળના દસ્તાવેજોમાં નોંધાતા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં યુપીઆઈ, મોબાઈલ બેંકિંગ, નેટ બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ્સના વ્યાપક પ્રચાર બાદ
બેંકિંગ વ્યવસ્થા સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. આવી સ્થિતિમાં જૂના કાયદાની જોગવાઈઓ સમયોચિત ન રહી હોવાથી સરકારે નવા બિલ દ્વારા કાયદામાં વ્યાપક ફેરફારો કર્યા છે.
- Advertisement -
નવા કાયદા અનુસાર બેંકના સર્વર, કમ્પ્યુટર સિસ્ટમ અથવા અન્ય ડિજિટલ માધ્યમોમાં સંગ્રહિત રેકોર્ડને કાનૂની માન્યતા મળશે. ઇલેક્ટ્રોનિક એન્ટ્રીઓ, ડિજિટલ ટ્રાન્ઝેક્શન વિગતો અને અન્ય ઇલેક્ટ્રોનિક બેંકિંગ રેકોર્ડ હવે કોર્ટમાં
પુરાવા તરીકે રજૂ કરી શકાશે. આ સાથે બેંકોને દરેક કેસમાં કાગળના દસ્તાવેજો તૈયાર કરવાની ફરજ નહીં રહે અને જરૂરિયાત મુજબ ડિજિટલ નકલો પણ રજૂ કરી શકાશે.
નવા કાયદાથી બેંકોને લાખો જૂના કાગળના રેકોર્ડ જાળવી રાખવાની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો થશે. ડિજિટલ ડેટા સરળતાથી ઉપલબ્ધ હોવાથી રેકોર્ડ શોધવાની પ્રક્રિયા ઝડપી બનશે તેમજ દસ્તાવેજોના સંચાલન અને
સુરક્ષામાં પણ સુધારો થશે. પરિણામે બેંકોનો સમય, ખર્ચ અને માનવશક્તિનો વધુ અસરકારક ઉપયોગ શક્ય બનશે. આ કાયદાનો સૌથી મોટો લાભ સામાન્ય બેંક ગ્રાહકોને મળશે. બેંક સંબંધિત કોઈ વિવાદ, કોર્ટ કેસ અથવા
તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો મેળવવા માટે હવે ગ્રાહકોને વારંવાર બેંકની મુલાકાત લેવાની જરૂર નહીં પડે. ડિજિટલ રેકોર્ડ ઉપલબ્ધ હોવાથી જરૂરી માહિતી ઝડપથી મેળવી શકાશે અને પ્રક્રિયા વધુ સરળ બનશે.
દેશમાં ઓનલાઈન બેંકિંગ છેતરપિંડીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવા કિસ્સાઓમાં ટ્રાન્ઝેક્શન લોગ, ડિજિટલ રેકોર્ડ, સર્વર ડેટા અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા અત્યંત મહત્વના હોય છે. નવા કાયદા હેઠળ બેંકો આ
તમામ ડિજિટલ માહિતી સરળતાથી તપાસ એજન્સીઓ અને કોર્ટ સમક્ષ રજૂ કરી શકશે. તેના કારણે તપાસની પ્રક્રિયા ઝડપી બનશે અને કેસોના નિકાલમાં પણ ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. સરકારે
સ્પષ્ટ કર્યું છે કે 1891નો કાયદો એવા સમયમાં બનાવવામાં આવ્યો હતો જ્યારે ઇન્ટરનેટ, ડિજિટલ બેંકિંગ કે ઓનલાઈન પેમેન્ટ જેવી કોઈ વ્યવસ્થા અસ્તિત્વમાં નહોતી. આજે સમગ્ર બેંકિંગ વ્યવસ્થા ટેક્નોલોજી આધારિત બની
ગઈ હોવાથી કાયદાને પણ આધુનિક બનાવવાની જરૂરિયાત હતી.
સ્ક્રીનશોટ નહીં, બેંકનો સત્તાવાર ડિજિટલ રેકોર્ડ રહેશે વધુ મહત્વનો
આજના સમયમાં મોટા ભાગના લોકો મોબાઈલ એપ્લિકેશન દ્વારા જ નાણાકીય વ્યવહારો કરે છે અને ટ્રાન્ઝેક્શન બાદ સ્ક્રીનશોટ સાચવી રાખે છે અથવા વોટ્સએપ મારફતે શેર કરે છે. નવા કાયદા મુજબ આવા સ્ક્રીનશોટ
પ્રાથમિક માહિતી તરીકે ઉપયોગી બની શકે છે, પરંતુ કોઈ વિવાદ ઊભો થાય ત્યારે બેંકના સત્તાવાર સર્વર પર સંગ્રહિત ડિજિટલ રેકોર્ડને જ સૌથી વિશ્વસનીય અને કાનૂની પુરાવા તરીકે મહત્વ આપવામાં આવશે. અંતિમ નિર્ણય
હંમેશા કોર્ટ ઉપલબ્ધ પુરાવા અને કાયદાકીય જોગવાઈઓના આધારે કરશે.




