ચોમાસાની ઋતુમાં કચેરીના બિલ્ડિંગ અને અરજદારોની સુરક્ષા અર્થે વૃક્ષોની ડાળીઓ કાપવા તાકીદ કરાઇ
ચોમાસાની વર્તમાન ઋતુને ધ્યાને રાખીને જાનમાલની સલામતી અને કોઈ અણધારી આફત કે મોટી દુર્ઘટના નિવારવા માટે સબ રજીસ્ટ્રાર કચેરી રાજકોટ (ઝોન-૩) દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના બાગબગીચા વિભાગ (ગાર્ડન શાખા)ને તાકીદની લેખિત રજૂઆત કરવામાં આવી છે. ડી.એચ. કોલેજ કમ્પાઉન્ડ ડો. યાજ્ઞિક રોડ ખાતે આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં તથા બાજુના બિલ્ડિંગ પર કેટલાક વૃક્ષો અતિશય ઊંચા થઈ ગયા છે અને બિલ્ડિંગ પર જોખમી રીતે નમી ગયા છે. વર્તમાન વરસાદી સિઝનમાં વાવાઝોડા કે ભારે પવનના કારણે આ વૃક્ષો અથવા તેની ભારે ડાળીઓ કચેરીના બિલ્ડિંગ તથા વીજ વાયરો પર તૂટી પડવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત વૃક્ષોના થળમાં સડો બેસી ગયો હોવાથી તેના થડ નબળા પડી ગયા છે અને પવનના કારણે ધરાશાયી થવાનો ગંભીર ભય સતાવી રહ્યો છે. કચેરીમાં રોજબરોજ મોટી સંખ્યામાં અરજદારો અને સ્ટાફના કર્મચારીઓની સતત અવરજવર રહેતી હોય છે, જેથી કોઈ જાનમાલનું નુકસાન ન થાય અને સમયસર યોગ્ય ટ્રિમિંગ ન થવાને કારણે સર્જાઈ શકતી દુર્ઘટના અટકાવી શકાય તે માટે સબ રજીસ્ટ્રાર (ઝોન-૩) રાજકોટ દ્વારા મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના કર્મચારીઓને તાકીદે આદેશ આપી આ જોખમી વૃક્ષો અને ડાળીઓ યોગ્ય રીતે કપાવી આપવા વિનંતી કરાઈ છે.




