જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 60.56 ટકા મતદાન
જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં વર્ષ 2021 કરતા 3.64 ટકા જેટલું ઓછું મતદાન
- Advertisement -
સૌથી વધુ માળિયાહાટીનામાં 66.80 ટકા અને સૌથી ઓછું જૂનાગઢ તાલુકામાં 57.27 ટકા
જિલ્લાની એક માત્ર કેશોદ નગરપાલિકા ચૂંટણીમાં 57.47 ટકા જેટલું મતદાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
જૂનાગઢ જિલ્લા પંચાયતની 30 બેઠક અને 9 તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક બે બનાવો સાથે શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું. જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સરેરાશ 60.56 ટકા જેટલું મતદાન થયું હતું જયારે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર કેશોદ નગરપાલિકામાં 57.47 ટકા મતદાન થયું હતું. જયારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સૌથી વધુ માળિયાહાટીનામાં 66.80 અને સૌથી ઓછું જૂનાગઢ તાલુકામાં 57.27 ટકા મતદાન નોંધાયું છે. લોકશાહી પર્વનું મતદાન પૂર્ણ થયું છે હવે મતદારોએ કોના પર કળશ ઢોળ્યો તેના પર સૌ કોઈની નજર છે આવતીકાલે 10 જગ્યા પર મતગણતરી યોજાવાની છે ત્યારે બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે કે સત્તાપક્ષ ફરી પોતાની સત્તા જાળવી રાખશે કે, પરિવર્તન થશે તે પરિણામ નક્કી કરશે.
ગરમીના પ્રકોપ વચ્ચે પણ સવારથી મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જયારે જેમ જેમ બપોરે 40 ડિગ્રીથી વધુ ગરમી શરુ થતા બપોરના સમયે મતદાન ઓછું થયું હતું ફરી સાંજે મતદાન વધ્યું હતું આમ જિલ્લામાં ગત 2021ની જિલ્લા અને તાલુકા પંચાયતમાં 3.64 ટકા જેટલું મતદાન ઓછું થયું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતા પોલિંગ સ્ટાફ ઈવીએમ સહીતનું સાહિત્ય સાથે તાલુકા મથક ખાતેના રીસીવિંગ સેન્ટર પર પોહચ્યાં હતા જ્યાં ઈવીએમને સ્ટ્રોંગરૂમમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવ્યા છે. આવતીકાલે તા. 28 મંગળાવરે સવારથી મતગણતરી શરુ કરવામાં આવશે. મતદારોએ લોકશાહી પર્વની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંપન્ન થતા જિલ્લા પંચાયતની 30 બેઠકના 98 ઉમેદવાર અને 9 તાલુકા પંચાયતના 491 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું. હવે મતદારો કોના તરફે મતદાન કરીને ક્યાં ઉમેદવારના શિરે મોર મારી છે. તે આવતીકાલના પરિણામ પર સૌકોઈ રાજકીય પક્ષની નજર છે.
ત્રિપાંખિયો જંગ: 2021માં આપની નહિવત સીટો પર લડી , 2026ના જંગમાં તીવ્ર ઉત્સાહ સાથે ઝુકાવ્યું
જૂનાગઢ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની વર્ષ 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહિવત સીટો પર ચૂંટણી લડી હતી જેમાં તાલુકા પંચાયતની ત્રણ જેટલી બેઠકો પર જીત થઇ હતી જયારે 2026ના ચૂંટણી જંગમાં તીવ્ર ઉત્સાહ સાથે ઝુકાવ્યું હતું.મહત્તમ સીટો ઉપર પોતાના મજબૂત ઉમેદવારોને ઉભા રાખીને જીતના વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા જયારે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આપના ઉમેદવાર ગોપાલ ઈટાલીયાની જીત થતા જિલ્લામાં ઉત્સાહ વધ્યો હતો. એટલે હવે આ ત્રિપાંખિયા જંગમાં ક્યાં પક્ષની નાવ કિનારે આવે છે. તે ચૂંટણી પરિણામ બતાવશે. જૂનાગઢ જિલ્લાના અનેક નેતાઓના આ ચૂંટણી પરિણામ બાદ રાજકીય ગણિત જોવા મળશે તેની સીધી અસર આગામી સમયમાં આવતી વિધાનસભાની ચૂંટણી પર જોવા મળશ.ણ



