ગીર સોમનાથના સુત્રાપાડામાં લાકડાંની શંકાસ્પદ હેરાફેરીનો મામલો સામે આવ્યો છે. વન વિભાગે સોમનાથ-ભાવનગર હાઈવે પર સુંદરપુરા નજીકથી લાકડાં ભરેલો એક ટ્રક ઝડપ્યો છે. જરૂરી પુરાવા ન મળતાં વન વિભાગે જથ્થો સિઝ કરી તપાસ શરૂ કરી છે. રાઉન્ડ ફોરેસ્ટર એન.એન. છેલાણાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન GJ 02 Z 0786 નંબરનો શંકાસ્પદ ટ્રક રોક્યો. તપાસ કરતા તેમાં મોટા પ્રમાણમાં લાકડાંનો જથ્થો મળ્યો હતો. ચાલકે જણાવ્યું કે, લાકડાં કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાંથી લવાયા હતા અને રાજકોટ લઈ જવાઈ રહ્યા હતા. જોકે, કટીંગ અને પરિવહનના સંતોષકારક પુરાવા મળ્યા નહીં. આથી વન વિભાગે રૂ. 20 હજારનો દંડ ફટકારી લાકડાંનો જથ્થો સિઝ કર્યો. ટ્રકના માલિકને પણ બોલાવી કટીંગથી રાજકોટ સુધીની પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે. વન વિભાગ કોડીનારથી રાજકોટ સુધી લાકડાંની હેરાફેરીના મોટા નેટવર્કની પણ તપાસ કરી શકે છે.





