વૈજ્ઞાનિકોએ ઉંદરો પર સફળ પ્રયોગો કરી ખરાબ યાદોને ભૂંસી નાખવામાં અને નવી યાદો જોડવામાં મોટી સફળતા મેળવી છે
બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ રામિરેઝના પુસ્તક ‘હાઉ ટુ ચેન્જ અ મેમરી’ મુજબ, ન્યુરોસાયન્સમાં આ ક્રાંતિ માનવીય યાદોને સમજવાની રીત બદલશે
- Advertisement -
ભવિષ્યમાં, લેઝર લાઇટ અને ઍડ્વાન્સ થેરાપી દ્વારા માણસોમાં સર્જરી વિના ખરાબ યાદોની પીડાદાયક અસર દૂર કરી શકાશે
ડિપ્રેશન અને માનસિક આઘાત સામે લડતા દર્દીઓ માટે આ શોધ વરદાન સાબિત થશે
શું તમારી પાસે પણ કોઈ એવી ખરાબ, કડવી કે શરમજનક યાદ છે જેને યાદ કરતાં જ આજે પણ તમારો ચહેરો ચિંતામાં મુકાઈ જાય છે? કોઈ એવી ભયાનક ક્ષણ કે બ્રેકઅપનું દર્દ જેને તમે કાયમ માટે તમારા મગજમાંથી ‘ડિલીટ’ કરી દેવા માગો છો? અત્યાર સુધી આ વાત માત્ર સાયન્સ-ફિક્શન ફિલ્મો જેવી લાગતી હતી, પરંતુ આગામી થોડા વર્ષોમાં આ હકીકત બની શકે છે. વિજ્ઞાન હવે માનવીય યાદોને માત્ર સમજવા પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ ન્યુરોસાયન્સની દુનિયામાં એક એવી ક્રાંતિ થઈ છે જેણે જૂની માન્યતાઓને બદલી નાખી છે.
- Advertisement -
બોસ્ટન યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર બ્રેઈન એન્ડ મેમરી’ના એસોસિએટ પ્રોફેસર સ્ટીવ રામિરેઝના નવા પુસ્તક ‘હાઉ ટુ ચેન્જ અ મેમરી’ અને તેમના તાજેતરના સંશોધને વૈજ્ઞાનિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ પુસ્તકમાં પ્રોફેસર રામિરેઝ જણાવે છે કે, જ્યારે પણ આપણે કોઈ દુર્ઘટના કે અનુભવમાંથી પસાર થઈએ છીએ, ત્યારે તે આપણા મગજના કોષોમાં એક કાયમી ભૌતિક છાપ છોડી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને ‘ઇનગ્રામ’ કહેવામાં આવે છે. પ્રયોગશાળામાં ઉંદરો પર કરાયેલા પ્રયોગોમાં વૈજ્ઞાનિકોએ ન્યુરોન્સના સ્તરે ફેરફાર કરીને કડવી યાદોને ભૂંસી નાખવામાં, નવી યાદો જોડવામાં અને જૂની યાદોને ફરી જીવંત કરવામાં મોટી સફળતા મેળવી છે.
યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના વૈજ્ઞાનિકોએ આ દિશામાં આશ્ચર્યજનક પરિણામો મેળવ્યા છે. વૈજ્ઞાનિકોએ મગજના તે ચોક્કસ ભાગ (એમિગ્ડાલા)ના તે ખાસ કોષોને જ નિષ્ક્રિય કરી દીધા જે ડરામણી અને કડવી યાદોને સાચવીને રાખતા હતા. ઓપ્ટોજેનેટિક્સ ટેકનિકની મદદથી ઉંદરોના મગજના અંદરના ભાગ (હિપ્પોકેમ્પસ)માં લેઝર લાઈટ ફેંકીને યાદો સાથે જોડાયેલા કોષોને પસંદગીપૂર્વક સક્રિય કે ડિલીટ કરવામાં આવ્યા હતા.
સૌથી મોટો સવાલ એ થાય કે શું ભવિષ્યમાં માણસોનું મગજ ખોલીને આવી રીતે યાદો ભૂંસવામાં આવશે? જવાબ છે ‘ના’. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, માણસોમાં કોઈપણ સર્જરી કર્યા વિના, ભાષા અને એડવાન્સ થેરાપીના માધ્યમથી ખરાબ યાદોની પીડાદાયક અસર અને તણાવને ખતમ કરી શકાશે. સરળ શબ્દોમાં કહીએ તો, જે તે બનાવની સામાન્ય માહિતી મગજમાં રહેશે, પરંતુ તેની સાથે જોડાયેલો ડર કે અસહ્ય દર્દ સંપૂર્ણપણે દૂર થઈ જશે.
આ વૈજ્ઞાનિક શોધ માત્ર યાદો ભૂંસવાની કોઈ રમત નથી, પરંતુ ભવિષ્યમાં ગંભીર એન્ઝાઈટી, ડિપ્રેશન, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને માનસિક બીમારીઓ સામે લડી રહેલા કરોડો દર્દીઓની સારવારના નવા રસ્તા ખોલશે. આ ટેકનોલોજીનો મુખ્ય હેતુ યાદોને સંપૂર્ણપણે ખતમ કરવાનો નથી, પરંતુ માનવીય જીવનમાંથી કડવી યાદોની કાયમી પીડા અને ત્રાસને હળવો કરવાનો છે.




