મત બચાવો, દેશ બચાવો’નાં અભિયાન અંતર્ગત ચૂંટણી પંચ અને ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરાયા
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોકશાહી બચાવો અને મત બચાવો, દેશ બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને લઈ રાજકોટ શહેરમાં આજે એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસના તમામ હોદ્દેદારો, મહિલા અને ફ્રન્ટલ સેલના પ્રમુખો, કાર્યકર્તાઓ તથા કોંગ્રેસનાં સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને ‘વોટ ચોર ગદ્દી છોડ’ સહિતનાં નારા લગાવી આક્રોશ વ્યકત કર્યો હતો. સાથે સાથે ચૂંટણી પંચ ઉપરાંત ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. રાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. ત્યાંથી સરદાર પટેલના સ્ટેચ્યુથી લઈને ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો સાથે ‘વોટ ચોર ગદ્દી છોડ’ ઉપરાંત ચૂંટણી પંચ અને ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના બેનરોમાં ‘લોકશાહીનું રક્ષણ, એ જ સાચી દેશભક્તિ’, ‘મેં મત આપ્યો વિશ્વાસથી, તેનો હિસાબ જોઇએ અધિકારીઓ પાસે’ અને ‘ચૂંટણી પંચ ભાજપની દલાલી બંધ કરો’ જેવા સૂત્રો લખેલા હતા. કાર્યકર્તાઓએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ ભારે નારેબાજી કરી તેનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ કરી હતી. એટલુ જ નહીં લોકોને પણ જાગૃત થઈ પોતાના માતાધિકારનો સાચો ઉપયોગ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી.
- Advertisement -
દેશની લોકશાહી ખતરામાં મુકાઈ : દીપ્તિબેન સોલંકી, વિરોધ પક્ષના નેતા
આ તકે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દીપ્તિબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે આ દેશમાં ભાજપના ઈશારે ચૂંટણી પંચ દ્વારા લાખો-કરોડો લોકોના ચૂંટણી કાર્ડ અને મતાધિકાર એસઆઈઆર (SIR) પ્રક્રિયા જેવા બહાના હેઠળ રદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે દેશની લોકશાહી ખતરામાં મુકાઈ છે. AICCના નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલી આ લોકશાહી બચાવો ઝુંબેશના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ગઈકાલે રાજકોટના તમામ 18 વોર્ડમાં લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. અને આજે સરદાર પટેલથી આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજીને જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે.
સમગ્ર દેશમાં ‘સેવ ડેમોક્રેસી વીક’ ઉજવાઈ રહ્યું છે : વૈશાલી શિંદે, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ
રાજકોટ શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ વૈશાલી શિંદેએ કહ્યું હતું કે, સમગ્ર દેશમાં ‘સેવ ડેમોક્રેસી વીક’ ઉજવાઈ રહ્યું છે. મતાધિકાર એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે અને કોઈ સંસ્થા કે પક્ષ લોકોનો આ અધિકાર છીનવી શકે નહીં. આજે મત એ જનતાની સૌથી મોટી શક્તિ છે. અમારા દ્વારા આજે ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. સાથે જ અમે જનતાને આવાહન કરીએ છીએ કે તેઓ પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃત થાય, પોતાના અને આડોશ-પાડોશના મત બચાવે અને લોકશાહીના રક્ષણ માટે આગળ આવે.




