સીઆરએસ પોર્ટલમાં 4 લાખ ડેટા અપડેટ કરવામાં આવ્યા
મનપાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી વર્ષો જૂના મરણના દાખલા કાઢવાની કામગીરી અટકી હતી અને 4 લાખ ડેટા રિકવર કરવાના બાકી હતા. આ કામગીરી હવે પૂર્ણ થઈ છે અને તમામ ડેટા સીઆરએસ પોર્ટલમાં અપડેટ થઈ જતાં હવે મરણનો 50 વર્ષ જૂનો દાખલો પણ 10 મિનિટમાં અરજદારને મળી જશે તેમ અધિકારી પ્રેરિત જોશીએ જણાવ્યું છે. મનપામાં વર્ષોથી લોકલ પોર્ટલ ઉપર જન્મ-મરણની નોંધણી અને દાખલા કાઢવાની કામગીરી ચાલુ હતી. દરમિયાન રાજ્ય સરકારે નવું પોર્ટલ શરૂ કર્યું હતું, પરંતુ ડેટા અપલોડ કરવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં કેન્દ્ર સરકારે સીઆરએસ પોર્ટલ શરૂ કરી આખા નામવાળા દાખલાની અમલવારી શરૂ કરી હતી. જેના લીધે મનપાએ પ્રથમ 13 લાખથી વધુ જન્મના દાખલાના અપડેટની કામગીરી પૂર્ણ કરી હતી અને મરણના 4 લાખ દાખલા અપડેટ કરવાના બાકી હતા. આ કામગીરી આઈટી વિભાગની ટીમને સોંપવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે.
- Advertisement -
શરૂઆતમાં 2020 બાદના ડેટા અપલોડ કરવામાં આવ્યા હતા. તેમજ રૂટિન કામગીરીનો પણ સાથે સમાવેશ કરવાનો હોવાથી અને સીઆરએસ પોર્ટલ પર પ્રારંભે એરરની સમસ્યા હોવાથી 13 લાખ જન્મના દાખલા અપડેટ કરી નવા પોર્ટલ ઉપર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેની સામે મરણ પામનારની અલગ-અલગ સ્થળની એન્ટ્રીનો ડેટા મેળવી એક જ પોર્ટલ ઉપર અપલોડ કરવાનો હતો. જેમાં અનેક ક્વેરી આવતી હોવાથી ચોક્કસ કામગીરી માટે સમય લાગ્યો હતો. મનપાના પોર્ટલ ઉપર નોંધાયેલા 50 વર્ષ પહેલાંના મરણના દાખલાઓનો ડેટા અપડેટ કરી સીઆરએસ પોર્ટલ ઉપર ટ્રાન્સફર અને અપલોડ કરવાની કામગીરી મનપાના આઈટી વિભાગની ટીમને સોંપવામાં આવી હતી. ચોવીસ કલાક શિફ્ટમાં કામ કરી ટીમે ફક્ત એક સપ્તાહમાં તમામ 4 લાખ મરણના ડેટાની અપડેટ સાથેની એન્ટ્રી કરી જૂના પોર્ટલ ઉપરનો ડેટા નિલ કરી દીધો છે અને આજથી તમામ વર્ષોના જૂના દાખલા કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઈ-મેઇલ આઈડી લખવા અનુરોધ
મરણના દાખલા કાઢવાની કામગીરી સરળ બનાવવા માટે તંત્રએ ઈ-મેઇલ આઈડીનો નિયમ લાગુ કર્યો છે અને મરણ પામનારની નોંધ ફાયર વિભાગ અને મુક્તિધામમાં કરાવતી વખતે ઘરના સભ્યનું ઈ-મેઇલ આઈડી લખાવવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. જેના કારણે અરજદારને ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ તુરંત મરણનો દાખલો ઈ-મેઇલ આઈડી ઉપર વિનામૂલ્યે મળી જશે તેમ જણાવ્યું છે.




