ડૉ.શરદ ઠાકર : આજનો મોર્નિંગ મંત્ર
પરમાત્માના ચરણોમાં ડૉ.શરદ ઠાકરના પ્રણામ. મિત્રો, આજે વાણી વિશે થોડીક વાત કરવી છે. આપણે જે કંઈ બોલીએ છીએ તેનાથી આપણે મિત્રો અને દુશ્મનો ઉત્પન્ન કરીએ છીએ. વાણી એ બીજું કશું જ નથી પણ આપણા વિચારોને સામેના માણસના મનમાં સંક્રમિત કરવા માટેનું એક માધ્યમ છે. જેવી રીતે ખાંસી અથવા છીંક દ્વારા વાયરસનો ચેપ આપણે બીજા માણસને લગાડી શકીએ છીએ. તે જ રીતે વાણી દ્વારા આપણા વિચારોનો પ્રભાવ બીજા ઉપર પાડી શકીએ છીએ. અહીં ફરક માત્ર એટલો છે કે વાયરલ ચેપ હંમેશા ખરાબ જ હોય જ્યારે વાણીનો ચેપ સારો અથવા ખરાબ હોઇ શકે છે.
- Advertisement -
ઘણીવાર આપણે અજાણતા બોલી ગયા હોઈએ એમ કડવા વેણ બોલ્યા પછી સામે વાળાની માફી માંગતા એવું કહીએ છીએ કે મારા મનમાં એવું ન હતું, આ તો એમ જ બોલાઈ ગયું. માટે માઠું ન લગાડતા. તાત્ત્વિક અર્થમાં આ વાત ખોટી છે. આપણા મનમાં સૌથી પહેલાં વિચાર જન્મે છે. એ વિચાર જન્મ્યા પછી એની અભિવ્યક્તિ માટેના શબ્દો જન્મે છે. એ શબ્દો વાક્યનું રૂપ ધારણ કરે છે અને પછી આપણી સ્વરપેટીમાંથી અવાજ સાથે મનમાં રચાયેલા એ વાક્યો બહાર નીકળે છે. એટલે આપણા બોલાયેલા વાક્યો માટે જ જો આપણે એમ કહેતા હોઈએ કે મારા મનમાં એવું કશું ન હતું, તો એ પાયામાંથી જ ખોટી વાત છે.
રમણ મહર્ષિ એક સરસ ઉદાહરણ આપતા કે જ્યારે તાંબાના તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય અને એ વિદ્યુત પ્રવાહને જો કોઈ અવરોધ ન નડે તો એ પ્રવાહ પસાર થતો જ રહે છે. પરંતુ જ્યારે એ તાંબાના તારમાં કોઈ અવરોધ પેદા થાય છે તો એ સાથે જ એમાં વહેતા વિદ્યુતનું રૂપાંતરણ પ્રકાશમાં થાય છે. એટલે જ ઇલેક્ટ્રિસિટીના વાયરમાંથી આવતો વિદ્યુતપ્રવાહમાં જેવો અવરોધ પેદા થાય છે એ સાથે જ વીજળીના ગોળામાં પ્રકાશ રૂપે ફેરવાઈ જાય છે. આપણાં મનમાં પણ વિચાર રૂપી વિદ્યુત પ્રવાહ વહેતો રહે તો કોઈ જ વાંધો આવતો નથી. પણ જ્યારે તેને વાણી રૂપનો અવરોધ નડે છે ત્યારે એ શબ્દો રૂપે પ્રગટ થાય છે. પછી જે પ્રગટ થાય છે એ પ્રકાશ પણ પાથરી શકે છે અને વિનાશ પણ નોતરી શકે છે. માટે હાસ્ય કલાકારો કહે છે કે માણસના મોઢામાં બત્રીસ દાંત છે અને એક જ જીભ છે. દાંત મજબૂત છે અને જીભ મૃદુ છે, પરંતુ ક્યારેક એ જીભને કારણે પેલા બત્રીસે દાંત પડી જાય એવો સમય આવે છે. માટે જીભ ઉપર લગામ રાખવી જોઈએ.
એક ચિંતકે ખૂબ સારું કહ્યું છે કે મૌન એ આ જગતની સૌથી વાચાળ ભાષા છે. જો તમારા મનમાં ચાલતા વિચારોનો વીજળી પ્રવાહ પ્રબળ હશે તો તમારે એને વાણી રૂપે વ્યક્ત કરવાની આવશ્યકતા નહિ રહે. તમારું મૌન જ સામે રહેલા માણસ પર પ્રભાવ પાડશે.
- Advertisement -




