શૈલેષ સગપરિયા : શૈલવાણી
એક નગરમાં એક કઠિયારો રહેતો હતો. જંગલમાંથી લાકડાં કાપી લાવે અને એ વેચીને પોતાનું ગુજરાન ચલાવે. એકવાર એના કોઈ મિત્રે આવીને આ કઠિયારાને સમાચાર આપ્યા કે, ‘આપણા નગરમાં એક બીજો કઠિયારો પણ રહેવા માટે આવ્યો છે. એ પણ લાકડાં કાપીને વેચવાનું જ કામ કરવાનો છે. માટે, હવે તારે હરીફાઈનો સામનો કરવો પડશે.’
કઠિયારાએ મિત્રને કહ્યું, અરે ભાઈ, આમાં ગભરાવાની કંઈ જરૂર નથી. મેં તપાસ કરી લીધી છે. એ સાવ નવો છે અને મને આ
ધંધાનો ૨૦ વર્ષનો અનુભવ છે. એ ગમે તેટલી મહેનત કરશે તો પણ મારા જેટલા લાકડાં નહીં કાપી શકે કારણ કે એને લાકડાં કાપવાનો કોઈ અનુભવ જ નથી. થોડા દિવસમાં જ આ જૂના કઠિયારાએ અનુભવ્યું કે, નવો કઠિયારો એના કરતા પણ વધુ લાકડાં રોજ કાપી લાવે છે. જૂના કઠિયારાને થયું કે કદાચ પોતાની પત્નીને મદદ માટે સાથે લઈ જતો હશે. તપાસ કરી તો ખબર પડી કે એ તો એકલો જ લાકડાં કાપવા જાય છે. વળી જૂના કઠિયારા કરતા સમય પણ ઓછો આપે છે, અને છતાં વધુ લાકડાં કાપી લાવે છે.
પોતાના પ્રશ્નનું સમાધાન કરવા માટે એક દિવસ જૂનો કઠિયારો આ નવા કઠિયારાને ઘેર મળવા માટે ગયો. નવા કઠિયારાએ આદર સાથે પોતાના સીનિયરનું સ્વાગત કર્યું. જૂના કઠિયારાએ પોતાના પ્રશ્નની રજૂઆત કરતા કહ્યું, જો ભાઈ, હું લાકડાં કાપવાના આ વ્યવસાયમાં ૨૦ વર્ષથી છું. તું તો સાવ નવો નવો આવ્યો છે. હું એ નથી સમજી શકતો કે, તું એવું શું કરે છે કે જેથી અનુભવ ન હોવા છતાં ઓછી મહેનતે મારા કરતા વધુ લાકડાં કાપી લાવે છે? નવા કઠિયારાએ સ્મિત સાથે કહ્યું, મારા વડીલ, તમે તમારા કુહાડાને છેલ્લે ક્યારે
ધાર કાઢી હતી તે તમને યાદ છે? હું રોજ કુહાડાની ધાર કાઢું છું અને એટલે જ તમારા કરતાં ઓછો અનુભવ હોવા છતાં ઓછી મહેનતે વધુ લાકડાં કાપી શકું છું. કોઈપણ ક્ષેત્રમાં જો કામરૂપી ઝાડને ઝડપથી કાપવા હોય તો તે ક્ષેત્રના જ્ઞાનરૂપી કુહાડાની ધાર સતત કાઢતી રહેવી પડે.
કોઈ મને ઝાડ કાપવા માટે છ કલાકનો સમય આપે તો પ્રથમ ચાર કલાક તો હું કુહાડાની ધાર કાઢવામાં જ પસાર કરીશ. અબ્રાહમ લિંકન




