સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી અને જૂથબંધીથી પક્ષો ચિંતામાં
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જુનાગઢમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. ટિકિટ વહેંચણીની પ્રક્રિયા બાદ પક્ષોમાં આંતરિક અસંતોષ અને નારાજગીનો વંટોળ જોવા મળી રહ્યો છે. વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કરનાર અને છેલ્લી ઘડીએ ટિકિટથી વંચિત રહેલા અનેક દાવેદારો હવે બળવાના મૂડમાં છે.
રાજકીય પક્ષોમાં આંતરિક જૂથબંધીને કારણે સક્રિય કાર્યકરોની અવગણના થતા, નારાજ નેતાઓ પક્ષપલટો કરવા અથવા અપક્ષ ઉમેદવારી નોંધાવતા પક્ષોની મુશ્ર્કેલીઓ વધી છે. મજબૂત જનાધાર ધરાવતા આવા નેતાઓ જો અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા છે, તો મુખ્ય પક્ષોના મતોમાં ગાબડું પડવાની અને પરિણામો બદલાવાની પૂરેપૂરી શક્યતા છે. સામી બાજુ, વિરોધ પક્ષો પણ આવા નારાજ નેતાઓને આવકારી પોતાના પક્ષની તાકાત વધારવા તત્પર છે. આ સ્થિતિને પારખતા રાજકીય પક્ષો માટે હાલ ’ડેમેજ કંટ્રોલ’નો પડકાર ઊભો થયો છે. નારાજગીને શાંત કરવા અને બળવાખોરોને મનાવવા માટે વરિષ્ઠ નેતાઓ સતત દોડધામ કરી રહ્યા છે. કાર્યકરોને સંગઠનમાં હોદ્દાની લાલચ કે સમજાવટ દ્વારા પ્રચારમાં જોડવા મથામણ કરવામાં આવી રહી છે. જો સમયસર આંતરિક વિખવાદ નહીં શમે, તો ચૂંટણીના સમીકરણો બદલાવાનું જોખમ રહેલું છે. આગામી દિવસોમાં ટિકિટથી નારાજ ઉમેદવારોનો નિર્ણય જ ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.



