પરેશ રાજગોર
જનીનોમાં વણાયેલી નફાખોરી અને સિસ્ટમની લાચારી: ભારતમાં શાસનનું અવિભાજ્ય અંગ બનેલા ભ્રષ્ટાચારના દૂષણ પર ‘ભીષણ ભ્રષ્ટાચાર’ પુસ્તક દ્વારા સચોટ કટાક્ષ
- Advertisement -
સુગરી પોતાનો માળો બનાવતા જાતે જ શીખી જાય છે. અન્ય પક્ષીઓ તેને આ માળો બનાવતા જુએ તો પણ શીખી શકતા નથી. આપણે જોઇએ છીએ કે ઋતુ પ્રવાસી પંખીડા સમય થતા હજારો કીલોમીટરનો પ્રવાસ ખેડી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. તેમને કોઇ માર્ગ ચીંધવાવાળું નથી હોતું. આવું જ દરિયાઇ જળચરોમાં જોવા મળે છે. દરિયો બધે સમાન દેખાતો હોવા છતાં જળચરો નિશ્ચિત સમય થતાં હજારો કી.મી. પ્રવાસ ખેડી એક ચોક્ક્સ સમય અને વિસ્તારમાં એકઠા થઈ જાય છે. આ અબુધ જીવોને આ જ્ઞાન ક્યાંથી આવે છે કે આ સમયે અફાટ સમુદ્રને પાર કરી અહીં એકઠા થવાનું છે. આપણે તેને કુદરતી ચમત્કાર ગણીએ છીએ, પરંતુ આ તેઓના જનીનોમાં પહેલેથી જ વણાયેલું હોય છે. જે તેઓને આંતરિક રીતે જ આવું કરવા પ્રેરે છે. તેમને બાહ્ય શિખામણની જરૂર નથી.
આવું જ શું કંઇ આપણા ભારતીયોના જનીનમાં વણાયેલું નથી? આપણો બાળપણથી ઉછેર રૂઢીચુસ્ત ધાર્મિક વાતાવરણમાં કરવામાં આવે છે. જીવનમાં નૈતિકતાઓ અને રાષ્ટ્રવાદ કૂટી-કૂટીને ભરવામાં આવે છે. શાળામાં રાષ્ટ્રવાદ અને નૈતિકતાના એટલા પાઠ ભણાવાય છે કે નહીં પૂછો વાત. પણ આજ અતિ ધાર્મિક, રાષ્ટ્રવાદી લોકો ભણીને ધંધો કે નોકરી એ લાગે ત્યારે અચાનક જ પેલા ઋતુ પ્રવાસી પંખીડાઓની જેમ કુદરતનો કોલ આવે છે. આપણને ભ્રષ્ટ્રાચાર કરવાનું શીખવવું નથી પડતું. આપણે વારંવાર સમાચારોમાં જોઇએ છીએ કે જે-તે અધિકારી પોતાની પહેલી જ પોસ્ટીંગમાં લાંચ લેતા પકડાયા. નીચેથી લઈ ઉપર સુધી દરેક સ્તરે ભિષણ ભ્રષ્ટ્રાચાર વ્યાપેલો છે. આપણે તેને દૈનિક જીવનમાં સહજતાથી સ્વીકારી લીધો છે. ટ્રાન્સપરન્સી ઇંડેક્ષમાં ન્યુઝીલેન્ડ, સ્વીડન, નોર્વે જેવા તદ્દન નાસ્તીક ગણી શકાય એવા દેશો સૌથી ટોચ પર હોય છે, જ્યારે આપણે આ ઇંડેક્ષમાં તળીએ હોઈએ છીએ. એનું મુખ્ય કારણ એ છે કે ભ્રષ્ટ્રાચાર આપણા લોહીમાં ભળી ગયો છે.
આપણા બધા વડાપ્રધાનો આ દુષણને ડામવા પ્રયત્નો કરી ચૂક્યા છે. પણ એમાં કોઇ ઓટ આવી નથી. ભ્રષ્ટ્રાચારનો ભોરીંગ દિવસે ન વધે એટલો રાત્રે અને રાત્રે ન વધે એટલો દિવસે વધી રહ્યો છે. ગાંધીજીએ કહ્યું હતું કે ભ્રષ્ટ્રાચાર ગર્ભાવસ્થા જેવો છે જે એક વખત રહી ગયા પછીએ એને અટકાવી શકાતો નથી. ગર્ભસ્થ શીશુની જેમ દર પળે તે વધ્યા જ કરે છે. અરે આપણા પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ તો સ્વીકારી પણ લીધું હતું કે ભ્રષ્ટ્રાચાર એ શાસનનું અવિભાજ્ય અંગ છે અને તેનાથી કાર્યો ઝડપથી પતે છે!
જૂના જમાનાના લોકો આઝાદીકાળ અને ગાંધીયુગની નૈતિકતાઓના બણગા ફૂકતાં જોવા મળે છે, પણ એ બધી જૂઠ્ઠી વાતો છે. ગાંધી આશ્રમના વહીવટમાં જ અઢળક ભ્રષ્ટાચાર હતો અને એના પર પુસ્તકો પણ લખાયા છે. 1950-1980ના દાયકાના વહીવટકર્તાઓનો જન્મ ગાંધીયુગ અને તે પછીના કાળમાં જ થયો છે. તેમ છતાં દેશમાં અઢળક ભ્રષ્ટાચાર હતો અને તેથી જ દેશ પછાત રહી ગયો હતો. 1960ના દશકની જ વાત છે, રાજકોટના શિક્ષણાધિકારીને એક વ્યક્તિ મુલાકાત માટે આવ્યો. ત્યારે તેના પટાવાળાએ સાહેબ સાથે મુલાકાત કરવા 10 રૂ.ની લાંચ માંગી. વ્યક્તિ પટાવાળા પર ગુસ્સે ભરાયો અને તેને ધક્કો મારી શિક્ષણાધિકારીની ઑફીસમાં જબરદસ્તી ઘુસી ગયો. તેણે અધિકારીને કહ્યું તમારો પટાવાળો તમારી સાથે મુલાકાત કરાવવાના 10 રૂ. લાંચ માંગે છે. અધિકારીએ તેના પટાવાળાને બોલાવ્યો, તેને પૂછ્યું કે શું તેણે આ માણસ પાસે 10 રૂ.ની લાંચ માંગી છે? તેના પટાવાળાએ સ્વીકાર્યું કે હા તેણે 10 રૂ.ની લાંચ માંગી હતી. આ સ્વીકારતા જ આવનાર વ્યક્તિ આનંદમાં આવી ગયો કે આજે તો પટાવાળાની તો ખેર નથી. પછી અધિકારીએ પટાવાળાને પૂછ્યું કે શું તેણે તને 10 રૂ. આપ્યા? પટાવાળા એ ‘ના’ કહ્યું. આ સાંભળતા જ અધિકારી ગુસ્સે થઈ પટાવાળાને બોલ્યા ‘આને અહીંથી ધક્કા મારી બહાર કાઢ. જે તને 10 રૂ. નથી આપી શકતો એ મને શું આપવાનો?” ગુજરાતના જાણીતા લેખક દીલીપ રાણપુરાની નવલકથા છે ‘સૂકી ધરતી, સૂકા હોઠ.’1960ના દસકની નવલકથામાં લેખક જણાવે છે કે ત્યારે એક ગામથી બીજા ગામે શિક્ષકની બદલી કરાવવાનો ભાવ 20 રૂ. ચાલતો હતો. આજે 2026માં આ ભાવ કેટલો છે એ પૂછવા જેવું નથી! 2026માં તો ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચારી કહેતા પણ તમારે શરમાવું કે અચકાવું પડે છે. આજે એના માટે ખૂબ સારા શબ્દો છે. કોઇ ભ્રષ્ટાચારી અધિકારીની ઓળખ આપવા કહેવામાં આવે છે કે સાહેબ ‘એકદમ પ્રેક્ટીકલ’ છે. આમ ભ્રષ્ટાચારીઓ એ પોતાની આગવી ઓળખ માટેની ભાષા અને શબ્દો પણ વિકસાવી લીધા છે.
લોકો આનાથી કંટાળ્યા છે પરંતુ તેનો માર્ગ શું છે? આપણે ભ્રષ્ટ અધિકારીઓને પકડાવવા એન્ટીકરપ્શન બ્યુરોમાં જવુ પડે, પણ ત્યાં ભ્રષ્ટ અધિકારીને પકડાવવા એન્ટીકરપ્શન બ્યુરોના અધિકારીને લાચ આપવી પડે છે! આમ, વ્યક્તિએ ત્યાં પણ હિસાબ માંડવાનો છે કે મૂળ અધિકારીને લાંચ આપવી કે એન્ટી કરપ્શન બ્યુરોમાં એને પકડાવવા લાંચ આપવી. બંનેમાંથી કોને લાંચ આપીને નાણાંનો વધુ ફાયદો થાય છે. આમ ઝેરનું મારણ ઝેરની જેમ ભ્રષ્ટ્રાચાર અટકાવવાનો માર્ગ પણ ભ્રષ્ટ્રાચાર જ છે.
આપણા જનીનોમાં વણાઇ ગયેલી આ ખામીને કેમ દૂર કરી શકાય? એનો તો કોઈ ઇલાજ અત્યારે દેખાતો નથી. કદાજ એડ્ઝ કે કેન્સરની દવા શોધાઈ જવી વધુ સરળ લાગી રહ્યું છે!
આમ, તો આ વિષય પર જેટલું લખો એટલું ઓછું છે પણ આજે ખાસ વાત કરવી છે એક પુસ્તક વિશે. આ ગુજરાતી પુસ્તકનું નામ છે. ભિષણ ભ્રષ્ટ્રાચાર. ગુજરાતીમાં આ વિષય પર આટલું વિસ્તૃત પુસ્તક લખાયું હોય એવું મારા ધ્યાનમાં નથી. પુસ્તકના લેખક છે મૂળ સુરતના અને પાંચથી વધુ દાયકાથી અમેરિકા સ્થાયી થયેલા ડૉ. અરવિંદ લાપસીવાળા. અમેરિકા સ્થાયી હોવા છતાં રસપ્રદ વિષયો ઉપર તેઓ અંગ્રેજી ઉપરાંત ગુજરાતીમાં પણ પુસ્તકો લખતા રહે છે. આશરે 200 પાનાના આ પુસ્તકમાં તેમણે અનેક દ્રષ્ટીકોણોથી ભ્રષ્ટ્રાચાર વિશે લખ્યું છે. તેમણે આ પુસ્તકમાં ભ્રષ્ટ્રાચારના દુષણને સાવ નકારી કાઢી તેની ટીકા જ કરી છે એવું નથી. તેમણે સાક્ષી ભાવે તેનો અભ્યાસ કરી, જાણ્યે અજાણ્યે આપણા જીવનમાં તે કેમ વણાઈ ગયો છે. તેને ખૂબ સારી રીતે સમજાવી છે. સાહિત્ય સંગમ, સુરત દ્વારા 2014માં પ્રકાશિત થયેલું પુસ્તક દરેકે ખાસ વાચવા જેવું છે.




