પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગમાં સ્ટાફની લાલિયાવાડી સામે આવી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.9
સુરેન્દ્રનગર જિલ્લાના મોટાભાગના આરોગ્ય કેન્દ્રો ભગવાન ભરોસે ચાલતા હોવાનું નજરે પડે છે પરંતુ આ વાત સરકારી તંત્રના અધિકારીઓ માનવા તૈયાર નથી તેવામાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા ગઈ કાલે સણોસરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લેવાઈ હતી જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લાલિયાવાડી ચાલતી હોવાનું સામે આવ્યું હતું. પ્રાંત અધિકારીના સરપ્રાઈઝ ચેકીંગમાં મેડિકલ ઓફિસર કોઈ ચાર્જ આપ્યા વગર તાલીમમાં ચાલ્યા ગયા હતા જ્યારે ફાર્માસિસ્ટ એમ.બી.ઝાલા સતત ગેરહાજર રહીને મહિનામાં એકાદ વખત આવી તમામ હાજરી પૂરીને ચાલ્યા જતા હોવાનું સામે આવ્યું હતું આ સાથે એફ.એચ.એસ એ.જે.પરમાર, સ્વીપર મનસુખભાઇ પરમાર, આયા કિરણબા રાણા પણ ગેરહાજર જોવા મળ્યા હતા. જ્યારે પ્રાંત અધિકારી દ્વારા જનરલ ઓ.પી.ડી રજીસ્ટરની ચકાસણી કરતા એકપણ દર્દીનું નામ સ્પષ્ટપણે વાચી શકાય તે પ્રકારે કે ઓળખ થાય તેમ જોવા મળ્યું ન હતું. જ્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં કોલ્ડ ચેઇન રજિસ્ટર, ડેડ રજિસ્ટર, ઇન્ડેન્ટ રજિસ્ટર, રેફરલ રજિસ્ટર પણ સ્ટાફ દ્વારા નિભાવ્યું ન હતું.
- Advertisement -
સાથે જ કેટલી દવાઓ ઉપલબ્ધ છે અને કેટલી આવકમાં છે અથવા મંગાવવાની બાકી છે તે અંગે પણ કોઈ યાદી જોવા મળી ન હતી આ સાથે મહત્વની વાત ગણાવી શકાય તેવી હોસ્પિટલમાં સ્વચ્છતા નહીં હોવાથી તમામ હજાર સ્ટાફનો પ્રાંત અધિકારીએ ઉધડો લઈ નોટિસ ફટકારી હતી. ત્યારે અહીં તો માત્ર એક તાલુકાના એક નાના ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ આટલી ક્ષતિ જોવા મળી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દરેક ગામોના આરોગ્ય કેન્દ્રની હાલત પણ મોટાભાગે સણોસરા ગામની માફક છે.