મણિપુરના કાંગપોકપી-કામજોંગ જિલ્લામાં 24 કલાકનો કફ્યૂ લાગુ
બજાર બંધ, પોલીસ દળ તૈનાત, એક દિવસ પહેલાં 10 લોકોનાં મોત થયાં હતાં
- Advertisement -
મણિપુરના કાંગપોકપી અને કામજોંગ જિલ્લાઓમાં નાગા અને કુકી સમુદાયો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં ૧૦ લોકોનાં મોત બાદ રવિવારે ભારે તણાવ રહ્યો. અહીં ૨૪ કલાકનો કફક્રૂ લાગુ રહ્યો, જેના કારણે બજારો બંધ રહ્યા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફ, આસામ રાઇફલ્સ, કોબરા બટાલિયન અને મણિપુર પોલીસ કમાન્ડોની વધારાની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, ઉપદ્રવીઓને પકડવા માટે માકુઈ અશાંગ, તાપોન અને ચસાડ જેવા અતિસંવેદનશીલ વિસ્તારોમાં ઘેરેઘેર તલાશી લેવામાં આવી રહી છે. ફેબ્રુઆરીમાં મણિપુરમાં ફરી શરૂ થયેલી હિંસાની ઘટનાઓથી લઈને અત્યાર સુધીમાં લગભગ ૪૦ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. હિંસાની ઘટનાઓ ઉખરુલ, કામજોંગ, કાંગપોકપી, તામેંગલોંગ અને નોની ઉપરાંત સેનાપતિના કેટલાક ભાગોમાં પણ બની છે. સરહદી ગામના રહેવાસી ડેવિડ જોન્સને જણાવ્યું, અમે ગઈકાલથી ઘરોમાં કેદ છીએ. બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત છે, તેમ છતાં આખી રાત ગોળીબાર થતો રહ્યો. સવારે પણ બફર ઝોનનાં ગામોમાં ગોળીબાર થયો. આટલી મોટી સંખ્યામાં દળો હોવા છતાં ઉગ્રવાદીઓ સરળતાથી આવીને વસાહતો સળગાવી રહ્યા છે.
ર૪ સપ્ટેમ્બરે પિલોંગમાં તાંગખુલ નાગા સમુદાયના લોકોની હત્યાના મામલે કુકી નેશનલ આર્મી-બર્મા અને મ્યાનમારમાં સ્થિત પીડીએફ જૂથોનું નામ સામે આવ્યું છે. શનિવારે સરહદી સ્તંભ ૧૦૨ પાસે ચસાડમાં કેએનએ-બીના ત્રણ ઉગ્રવાદીઓ માર્યા ગયા. ૨૦૨૧માં મ્યાનમારમાં થયેલા સૈન્ય કૂ બાદથી ઉગ્રવાદીઓ ભારતમાં ઘૂસીને હુમલા કરી રહ્યા છે. નાગા-કુકી સંઘર્ષ પહેલાં માત્ર ઉખરુલ જિલ્લા સુધી મર્યાદિત હતો, પરંતુ હવે તે કાંગપોકપી, સેનાપતિ, તામેંગલોંગ અને કામજોંગ જિલ્લાઓ સુધી ફેલાઈ ગયો છે. આ વિસ્તારોમાં નાગા અને કુકી સમુદાયના લોકો સાથે રહે છે. જોકે, હવે બંને પક્ષો એકબીજા પર ઉગ્રવાદીઓને આશ્રય આપવા અને વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે.




