ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તમામ જિલ્લા પોલીસ વડાઓને શંકાસ્પદ હોટલોની યાદી બનાવી આકસ્મિક તપાસના આદેશ કર્યા
ગેરરીતિ જણાશે તો ગુનો નોંધવાથી લઈ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી
- Advertisement -
મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસની ‘શી-ટીમ’ (She Team) પણ આ સમગ્ર કાર્યવાહીમાં જોડાશે
હાલ સોશિયલ મીડિયા પર કલાકોના ભાડે રૂમ આપતી જાહેરાતો આપીને ગ્રાહકોને આકર્ષવાનો ટ્રેન્ડ વધ્યો છે
રાજ્યમાં હોટલની આડમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દુષ્કર્મ જેવી ઘટનાઓ ડામવા માટે ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાઓને કડક આદેશ જારી કરવામાં આવ્યા છે. ખાસ કરીને માત્ર એકાદ-બે કલાક માટે
રૂમ કે બોક્સ ભાડે આપતી હોટલો સામે પોલીસ સઘન ઝુંબેશ હાથ ધરશે.
- Advertisement -
રાજ્યના ખૂણે-ખાંચરે ધમધમી રહેલી શંકાસ્પદ હોટલો સામે પગલાં લેવા ગૃહ વિભાગે પોલીસ તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લેવાયેલા નિર્ણય બાદ તમામ જિલ્લા પોલીસ વડાઓને
આવી હોટલોનું લિસ્ટ બનાવી આકસ્મિક તપાસ હાથ ધરવા જણાવાયું છે. હોટલના નામે ચાલતી અન્ય અનૈતિક ગતિવિધિઓ તાત્કાલિક બંધ કરાવવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે.
શહેરોના અલગ-અલગ વિસ્તારોમાં માત્ર રૂ.200 થી 500 જેવા નજીવા ભાડામાં એક કે બે કલાક માટે રૂમ કે કેબિન/બોક્સ આપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર કલાકોના ભાડે રૂમ આપતી જાહેરાતો આપીને
ગ્રાહકોને આકર્ષવામાં આવે છે. હવે આવી હોટલો પર પોલીસ સીધી તવાઈ બોલાવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા સંચાલકો સામે ગુના નોંધી કાર્યવાહી કરશે.
ઘણીવાર યુવતીઓને પ્રેમજાળ ફોસલાવીને હોટલોમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવતું હોવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે. ખાસ કરીને પુખ્ત વયની ઉંમરમાં ડગ માંડી રહેલા યુવાધનને ગેરમાર્ગે દોરાતા અટકાવવા આ
આગોતરી તકેદારી રાખવામાં આવી રહી છે. હોટલ સંચાલકો માત્ર કમાણી માટે કોઈ પણ જાતની યોગ્ય ઓળખ વગર કે નિયમો નેવે મૂકીને રૂમ આપે છે તેના પર પૂર્ણવિરામ મુકાશે.
મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત પોલીસની ‘શી-ટીમ’ (She Team) પણ આ સમગ્ર કાર્યવાહીમાં જોડાશે. શી-ટીમ દ્વારા શંકાસ્પદ વિસ્તારો અને હોટલો પર સતત વોચ રાખીને સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. બહારના
રાજ્યોમાંથી યુવતીઓને લાવીને અનૈતિક દેહવ્યાપાર કે કૂટણખાના ચલાવતી હોટલો સામે પણ દરોડા પાડી કાયદેસરના પગલાં લેવામાં આવશે.
કાયદા મુજબ પુખ્ત વયના લોકો હોટલમાં નિયમ મુજબ સ્ટે કરે તે ગુનો નથી, પરંતુ હોટલના બોર્ડ પાછળ ચાલતા ગેરકાયદેસર ધંધાઓ ચલાવી લેવાશે નહીં, હોટલમાં રોકાનાર દરેક વ્યક્તિના માન્ય ઓળખકાર્ડ (ID Proof),
રજિસ્ટર એન્ટ્રી અને સીસીટીવી ફૂટેજની ચકાસણી ફરજિયાત બનાવવામાં આવશે. જો કોઈ હોટલમાં ગેરરીતિ જણાશે તો માત્ર દંડ નહીં, પરંતુ હોટલના લાયસન્સ રદ કરવા સુધીના આકરા પગલાં લેવાશે.




