અપહરણ કરી, ઝાડ સાથે બાંધી માર મારતા રાજકોટ સિવિલમાં દમ તોડ્યો
પિતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી : હત્યાની કલમનો ઉમેરો કરાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યુવકની ભચાઉમાં હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે યુવકનું અપહરણ કરી, ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો હતો. રામનાથપરામાં રહેતો યુવાન આયુષ્યમાન કાર્ડ કઢાવવા મૂળ વતન ભચાઉ ગયો હતો જ્યાં આડા સંબંધની શંકાએ તેમના જ કૌટુંબિક સગાઓએ માર માર્યો હતો. બેફામ માર મારતા ગંભીર ઈજાઓ થઈ હતી જેથી યુવકને રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો પરંતુઅહીં સારવારમાં તેનું મોત નીપજ્યું હતું આ બનાવ તા. 9 એપ્રિલના રોજ બન્યો હતો પણ ભચાઉ પોલીસે ગઈકાલે ફરિયાદ નોંધી હતી.
મૂળ ભચાઉના હાલ રાજકોટના રામનાથપરામાં રહેતા વજુભાઈ મગનભાઈ હુડીયા ઉ.56એ સાગર વજુભાઈ હુડીયા ઉ.23ની હત્યા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોટા દીકરાના લગ્ન થઈ ગયેલ છે. બીજા બધા દીકરા કુંવારા છે. ગઈ તા.8ના બપોરે મારો દીકરો સાગર આયુષ્યમાન કાર્ડ કઢાવવા તથા આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરાવવા માટે ભચાઉ ગયો હતો. તા.9ના રોજ ભચાઉથી અમારા સંબંધી દીપકભાઈનો મને ફોન આવેલ અને મને જાણ કરેલ કે, તમારા દીકરા સાગરને ભાવેશ ચતુર અને અજય ચતુરે તેના મામાના ઘરે લઈ જવાનું કહી લઈ ગયેલ અને અગાઉની બાબતનું મન દુ:ખ રાખી માર માર્યો છે જેથી હું ભચાઉ ગયેલ અને મારો દીકરો અનિલ ધ્રાંગધ્રાથી ભચાઉ પહોંચ્યો હતો આ દરમિયાન મારા સંબંધી દીકરાને લઈને ભચાઉ બસ સ્ટેશન આવ્યા હતા. જ્યાં મેં જોયું તો મારા દીકરાને માર માર્યો હોવાના ચાઠા પડી ગયા હતા તેને પાઈપ તથા ધોકા વડે માર માર્યો હતો ત્યાર બાદ હું અને સુરેશભાઈ આ મારા દીકરાની સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ભચાઉ ખાતે લઈ ગયા હતા અને ત્યાં પોલીસ આવતા મેં નિવેદન લખાવેલ હતુ કે, સારવાર બાદ ફરિયાદ કરવા આવીશું. તેવું જણાવેલ હતું. બાદમાં હું મારા દીકરાને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં લઈ આવ્યો હતો.
મારો દીકરો બોલી શકતો નહોતો. ઘણા દિવસ થઈ ગયા હોવાથી મારા સંબંધીઓ મને ફરિયાદ કરવાનું કહેતા મેં ભચાઉ પોલીસને જાણ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મેં જાહેર કરી ફરિયાદ લખાવી હતી. મારા દીકરાને તેમની ઘરની સ્ત્રી સાથે આંડા સંબંધ હોવાનો વહેમ રાખી ભાવેશ તથા અજયે માર માર્યો હતો આ દરમ્યાન ગઈકાલે મોડી રાતે સારવાર દરમ્યાન સાગરે દમ તોડી દેતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. ભચાઉ પોલીસે આરોપીઓને પકડવા અને ગુનામાં હવે હત્યાની કલમ ઉમેરવા તજવીજ હાથ ધરી હતી. સાગર ચાર ભાઈમાં વચેટ હતો. તે પિતા સાથે ફૂલ વેચવાનું કામ કરતો હતો.



