સતત બીજા દિવસે પ્ર.નગર પોલીસનો એક જ વિસ્તારમાં સપાટો
સુરતથી રાજકોટ લાવી છૂટક પડીકી બનાવી વેચતી હોવાની કબૂલાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચના અન્વયે પ્રનગર પોલીસે સતત બીજા દિવસે પોપટપરામાં દરોડો પાડી વધુ એક મહિલાને 3.57 લાખના 7.132 કિલો ગાંજા સાથે એક મહિલાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે બે દિવસ પૂર્વે પોપટપરા સ્મશાન પાસેથી એક શખ્સને 600 ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધો હતો સતત બીજા દિવસે પ્રનગર પોલીસના સફળ દરોડાથી ડ્રગના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજકોટમાં માદક પદાર્થની હેરાફેરી કરતા શખ્સો ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી હરપાલસિંહ જાડેજા, ડીસીપી રાકેશ દેસાઈ અને આર એસ બારીઆની સૂચના અન્વયે પ્રધુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઈ.એમ.ડી. મકવાણા, પીએસઆઈ રાણીંગા સહિતના પેટ્રોલિંગમાં હતા ત્યારે સ્ટાફના હેડ કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા, રીયાઝભાઈ ભીપૌત્રા અને વનરાજ બોરીચા સહિતના સ્ટાફને બાતમી મળી હતી કે પોપટપરા રેલનગર મેઈન રોડ પર આવેલા ગુરુકૃપા ગેરેજ પાસેના ‘આઈ શ્રી ખોડિયાર કૃપા’ મકાનમાં ગાંજાનો મોટો જથ્થો રાખીને એક મહિલા વેચાણ કરે છે આ બાતમી આધારે દરોડો પાડયો હતો ઘરના સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને મકાનમાંથી 3,56,600 રૂપિયાનો 7.132ગ્રામ ગાંજાના જથ્થો મળી આવતા મહિલા પેડલર વર્ષાબેન બાબુભાઈ ઉકેડીયા ઉ.45ની ધરપકડ કરી તમામ ગાંજો કબ્જે કરી ગુનો નોંધી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વર્ષાબેનએ આ ગાંજાનો જથ્થો સુરતથી લાવી છૂટક વેચાણ કરવાની હોવાની કબૂલાત આપી છે બે દિવસ પૂર્વે પણ આ જ વિસ્તારમાંથી 600 ગ્રામ ગાંજો પકડાયો હતો, જેના તાર આ મહિલા સાથે જોડાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાલમાં આ જથ્થો સુરતમાં કોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને રાજકોટમાં અન્ય કોણ કોણ આ નેટવર્કમાં સામેલ છે તે જાણવા રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.



