વડોદરામાં જુગારના કેસમાં આરોપીને ઘરે ન રહેવાની આપેલી સલાહ મોંઘી પડી
31 મેના રોજ નિવૃત્ત થાય તે પૂર્વે 30 મેના રોજ સાંજે ગૃહ વિભાગે કરેલી કાર્યવાહીથી ખળભળાટ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ખાખી વર્દી એ ખુમારીનું પ્રતીક છે પરંતુ ખાખી વર્દીની આડમાં અનેક અધિકારીઓ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના ખિસ્સા ગરમ કરતા પણ અચકાતા નથી હોતા પરંતુ ફરજ દરમિયાન કરેલી કરતૂતનું એક અધિકારીને નિવૃત્તિ ટાણે ભોગવવું પડ્યું છે રાજકોટ શહેર કંટ્રોલ રૂમના એસીપી તરીકે ફરજ બજાવતા વી જી પટેલ ગઈકાલ તારીખ 31 મેંના રોજ વય મર્યાદાને લીધે નિવૃત થવાના હતા પરંતુ તેના એક જ દિવસ પૂર્વે એટલે કે 30 મેના રોજ સાંજે ગૃહ વિભાગે તેમની ખાતામાંથી હકાલપટ્ટી કરતો એટલે કે ડિસમિસ કરતો હુકમ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે એસીપી પટેલ વડોદરા એચ ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ પર હતા ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનના જુગારના કેસમાં આરોપીને મદદરૂપ થઇ ઘરે નહીં રહેવાની સલાહ આપી હતી આ સલાહ આપવા બદલ વહીવટ પણ થયો હોવાની ચર્ચા હતી આમ પોલીસ અધિકારી થઈને આરોપીને મદદરૂપ થવાનું કાર્ય કરનાર અધિકારીને નિવૃત્તિના 24 કલાક પહેલા જ ડિસમિસ કરવાની કડક કાર્યવાહી ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેર પોલીસ દળમાં કંટ્રોલ રૂમ એસીપી તરીકે ફરજ બજાવતા વી જી પટેલ ગઈકાલ તારીખ 31 મેંના રોજ સાંજે વય મર્યાદા અંતર્ગત નિવૃત થવાના હતા તે નિવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા તેના એક દિવસ પૂર્વે એટલે કે 30 મેના રોજ સાંજે ગૃહ વિભાગ દ્વારા ડિસમિસ કરતો હુકમ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે આ ડિસમિસ કરવા પાછળનું કારણ જોવા જઈએ તો વડોદરામાં એચ ડિવિઝનમાં પોતે એસીપી તરીકે ફરજ પર હતા ત્યારે મકરપુરા પોલીસ સ્ટેશનમાં જુગારનો એક કેસ નોંધવામાં આવ્યો હતો આ કેસમાં આરોપી સંજયભાઇ ઉર્ફે ભુરો અમૃતલાલ છગાણીને ગુનામાં પકડાઈ નહિ તે માટે ઘરે ન રહેવાની સલાહ આપી હતી આરોપીની મદદ કરવા સબબ વહીવટ પણ થયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું આરોપીની મદદ કરવા અંગે તેમના વિરુદ્ધ તપાસ ચાલતી હતી અને તપાસના અંતે રિપોર્ટ ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હતો અને એસીપી પટેલ નિવૃત થાય તેના એક દિવસ પૂર્વે જ તેમને ડિસમિસ કરવાનો કડક નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે રાજકોટમાં એસીપી તરીકે ફરજ બજાવતા વી જી પટેલને નિવૃત્તિના એક દિવસ પૂર્વે જ ડિસમિસ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી જવા પામ્યો છે.
પીએફ, પેન્શન સહિતની મળવાપાત્ર સહાયો અટકશે
- Advertisement -
પોલીસ દળમાં ભરતી થઈને ખાખી વર્દી પહેરી ગુજરાત પોલીસમાં આટલા વર્ષો સુધી નોકરી કરી હોય પરંતુ એક ભૂલને લીધે હવે ડિસમિસ થયેલા અધિકારી વી જી પટેલને નિવૃત્તિ પછીના મળવાપાત્ર પીએફ, પેંશન સહિતની તમામ સહાય અટકી જશે તે નિશ્ચિત છે.
આરોપીની મદદ ભવિષ્યમાં મોટી મુસીબત સાબિત થઇ શકે છે
પીએસઆઇથી ઉપરના તમામ અધિકારીઓની દર ત્રણ વર્ષે બદલી થતી હોય છે જેથી જે અધિકારી જ્યાં ક્યાંય પણ ફરજ બજાવતા હોય અને ત્યાં કોઈ આરોપીની મદદ કરી હોય તો તે ભવિષ્યમાં મોટી મુસીબત ઉભી કરી શકે તેમ છે તેનું આ જીવતું જાગતું ઉદારહણ છે માણસાઈની દ્રષ્ટિએ કરેલી મદદ લેખે લાગે છે પરંતુ આર્થિક લાભના હેતુથી કરેલી મદદથી નિવૃત્તિનો સમય ગોટાળે ચડાવી દે છે.



