સાંઢિયાપુલ તાત્કાલિક ખુલ્લો મુકવાની કોંગ્રેસની માંગ, મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત
કોંગ્રેસના ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીનો આક્ષેપ : પુલ તૈયાર હોવા છતાં લોકો માટે બંધ રાખવામાં આવ્યો છે
- Advertisement -
જામનગર રોડ પર ટ્રાફિક જામ, અકસ્માતો અને એમ્બ્યુલન્સ ફસાવાની ઘટનાઓનો ઉલ્લેખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જામનગર રોડ પર નિર્માણાધીન રહેલો સાંઢિયાપુલ હવે સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યો હોવા છતાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં વિલંબ થતા કોંગ્રેસે તંત્ર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણીએ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી પુલને વ્યાપક જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે ખુલ્લો મુકવાની માંગ કરી છે. રજુઆતમાં જણાવાયું છે કે જામનગર રોડ પર લાંબા સમયથી ચાલી રહેલી વિસ્તરણ કામગીરી ગોકળગાય ગતિએ આગળ વધી હતી, જેના કારણે લાખો વાહનચાલકોને દૈનિક ભારે ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ આગેવાનોના આક્ષેપ મુજબ કામગીરી દરમિયાન ભાજપ શાસકોની વહીવટી અણઆવડત અને ભ્રષ્ટાચારના પ્રશ્નો પણ ચર્ચામાં રહ્યા હતા. હવે કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં માત્ર નવા પદાધિકારીઓની નિમણૂક બાદ જ પુલ ખુલ્લો મુકવાની જિદ્દ રાખવામાં આવી રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
કોંગ્રેસે જણાવ્યું કે પુલ બંધ હોવાથી ભોમેશ્વર ફાટક પાસે આપવામાં આવેલા ડાયવર્ઝનના કારણે ભોમેશ્વર વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં ગંભીર ટ્રાફિક દબાણ સર્જાયું છે. બજરંગવાડી, રેલનગર, ગાયત્રીધામ, સત્યમ શિવમ સુંદરમ, પરાસર પાર્ક, કૃષ્ણપરા, વોરા સોસાયટી તેમજ માધાપર અને જામનગર રોડ વિસ્તારના રહેવાસીઓને રોજિંદા અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત શહેરની સિવિલ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, રેન્જ ડીઆઈજી કચેરી, નવી અને જૂની કોર્ટ સહિતની મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ તરફ જવા માટે પણ આ માર્ગ અત્યંત મહત્વનો હોવાથી ટ્રાફિક સમસ્યાઓ વધુ વિકટ બની હોવાનું રજૂઆતમાં જણાવ્યુ છે. અનેકવાર ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ જવાના બનાવો પણ બન્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું છે. રજુઆતમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે જો પુલ વિનાકારણે બંધ રાખવાથી કોઈ અકસ્માત, જાનહાનિ અથવા ગંભીર પરિસ્થિતિ સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને સંબંધિત એજન્સીની રહેશે. કોંગ્રેસે તંત્રને જાહેર સલામતી અને જનહિતને ધ્યાનમાં રાખીને આગામી 24 કલાકમાં સાંઢિયાપુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકવા માંગ કરી છે.



