આતંકીઓને ભારતમાં ઘૂસાડવાનું પાક.નું કાવતરું નિષ્ફળ બનાવતી સેના
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
આંતરરાષ્ટ્રીય સરહદે યુદ્ધવિરામની આડમાં આતંકવાદને શરણ આપી રહેલા પાકિસ્તાન દ્વારા ખોદવામાં આવેલી નવી સુરંગને ભારતીય જવાનોએ શોધી કાઢી છે. જમ્મુના સુંજવાંમાં બે આત્મઘાતી આતંકીઓના માર્યા ગયા બાદ સીમા પર પાકિસ્તાનની સુરંગો શોધી કાઢવાનું અભિયાન ચાલી રહ્યું હતું. આ અભિયાન દરમિયાન સતર્ક ભારતીય જવાનોએ ગત સાંજે 5:30 વાગ્યે સાંબાના ચક્ક ફકીરાની ફોરવર્ડ ચોકી નજીક સુરંગ શોધી કાઢી છે. આ સુરંગને ઘાસથી છુપાવવામાં આવી હતી. જમ્મુમાં પાછલા નવ વર્ષ દરમિયાન અત્યાર સુધી સીમા ઉપર 10 સુરંગો બનાવીને આતંકીઓની ઘૂસણખોરી કરાવી દેવાની કોશિશ નિષ્ફળ બનાવાઈ છે.
બીએસએફના ડીઆઈજી એસપીએસ સંધુના જણાવ્યા પ્રમાણે અત્યારે પ્રાથમિક તપાસ દરમિયાન એવું માલૂમ પડે છે કે આ સુરંગ હોઈ શકે છે જે આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલી છે. અંધારાને કારણે તેની તપાસ થઈ શકી નથી આવામાં હવે આજે સવારે સુરંગની તપાસ કરવામાં આવશે અને પછી તેના વિશે જાણકારી જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે ગત 22 એપ્રિલે જમ્મુના સુંજવાં વિસ્તારમાં સીમા પાર પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ સીઆઈએસએફની બસને નિશાન બનાવી હતી. આ પછી આતંકીઓએ નાકા પર તૈનાત પોલીસની ગાડીઓ ઉપર પણ ફાયરિંગ કર્યું હતું.



