ગજાનન ગણેશ દાદાને આજે મહાઅન્નકૂટ, સાંજે 5 વાગ્યાથી ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકાશે
કાલે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે રાત્રે ડ્રોનું આયોજન, શનિવારે વિસર્જન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ગણેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અયોધ્યાના રામમંદિર પર આધારિત પંડાલ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સાથે જ બાર જ્યોતિર્લિંગ તથા દુંદાળાદેવના દર્શનની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. મહોત્સવ દરમિયાન રોજ દાદાને વિશેષ શણગાર અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. અહીં દરરોજ સવારે 8:30 કલાકે મંગળા આરતી, સાંજે 7:45 કલાકે મહાઆરતી અને રાત્રે 12:00 કલાકે શયન આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, રોજ 30,000 થી 40,000 ભાવિકો દર્શન માટે પધારે છે અને પોતાની મનોકામનાઓ પુરી કરે છે. રામ મંદિરમાં બિરાજમાન ગજાનન ગણેશ દાદાને આજે મહાઅન્નકૂટ ધરાવવામાં આવશે અને સાંજે 5 વાગ્યાથી ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકાશે. આ ઉપરાંત સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાલે ગણેશમહોત્સવના અંતિમ દિવસે રાત્રે ડ્રોનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ શનિવારે દાદાને ભારે હૈયે વિદાય આપી વિસર્જન કરવામાં આવશે.
ગણેશ મહોત્સવમાં ભાવિકો અને શહેરના શ્રેષ્ઠીગણ તેમજ સમાજના આગેવાનો સહિત રાજકીયક્ષેત્રના તમામ મહાનુભાવો દાદાના દર્શને આવી મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે મહોત્સવના આઠમાં દિવસે મહાઆરતીમાં રાજુભાઈ ઢોલરીયા, રાજુઆતા સહપરિવાર, ધવલભાઈ ગજ્જર સહપરિવાર, કલ્પેશભાઈ લુણાગરિયા સહપરિવાર, મનસુખભાઈ ધોડિયા સહપરિવાર, ખોડલધામ નોર્થ ઝોન સમિતિના મનસુખભાઈ વેકરીયા, શૈલેષભાઈ રંગાણી, રાજ અકબરી હાજર હતા તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા તથા વોર્ડ નંબર સાતના કોર્પોરેટર દેવાંગભાઈ માકડ સહિતના મહાનુભાવોએ દાદાના દર્શન કરી મહાઆરતીનો લાભ લીધો હતો.



