ખાણ ખનિજ વિભાગ અને સ્થાનિક તંત્રની વૉશ પ્લાન્ટ સામે શંકાસ્પદ ભૂમિકા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.18
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ પણે લૂંટાતી ખનીજ સંપત્તિ સામે સ્થાનિક તંત્ર પ્રોત્સાહન આપતું હોય તેવો ઘાટ સર્જાયો છે. અહીં કોલસા, સફેદ માટી, રેતી, પથ્થર સહિતનું કિંમતી ખનિજ માફીયાઓ દ્વારા લૂંટાય રહ્યું છે અને તંત્રના અધિકારીઓ આ લૂંટતા ખનીજનો ખેલ જોવા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં અળગું રહેતું હોવાનું સાબિત થયું છે તેવામાં લખતર તાલુકાના સદાદ ગામે છેલ્લા દોઢેક વર્ષથી ચાલતા રેતીના તદ્દન ગેરકાયદેસર વોશ પ્લાન્ટ સામે સ્થાનિક તંત્રની સાથે જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ કાર્યવાહી કરવામાં પાંગળું સાબિત થયું છે. દોઢેક વર્ષથી ચાલતા ગેરકાયદેસર વોશ પ્લાન્ટમાં વપરાશ થતી કાચી રેતી પણ ગેરકાયદેસર રીતે ખનન કરી તેનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું નજરે પડે છે ગામની સીમમાંથી કાચી રેતીને વોશ પ્લાન્ટ ખાતે લઈ આવી બાદમાં વોશ પ્લાન્ટમાં રેતીનું ધોવાણ કરી તેને વોશ રેતી બનાવાય છે અને બાદમાં આશરે 700થી 900 રૂપિયા પ્રતિ ટનના ભાવે આ રેતીને જુદા જુદા વાહનો દ્વારા વેચાણ કરાય છે.
આ અગાઉ સ્થાનિક તંત્ર અને જિલ્લા ખાણ ખનિજ વિભાગને રેતીના ગેરકાયદેસર વોશ પ્લાન્ટ બાબતે રજૂઆત પણ કરી હતી પરંતુ તંત્રના અધિકારીઓ ચૂંટણીના નામે વોશ પ્લાન્ટમાં ખનિજ માફિયાઓને બચાવવા રીતસરના મેદાને પડ્યા હોય તેવું સાબિત થયું છે. રેતીના વોશ પ્લાન્ટ ચલાવતા સંચાલક ખનિજ માફીયાઓ કાચી રેતીનું ખનન અને ગેરકાયદેસર વોશ પ્લાન્ટ થકી દરરોજ લાખ્ખો રૂપિયાનો ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે સાથે જ ખનિજ ખનનનો કેટલોક હિસ્સો ખનિજ માફિયાઓને બચાવવા માટે મેદાને આવેલા અધિકારીઓને પણ જતો હોય તેવો સ્થાનિક ગ્રામજનનો આક્ષેપ છે. ત્યારે ગેરકાયદેસર ખનિજ રોકવા માટે નિયુક્ત કરેલા અધિકારીઓ અને કર્મચારીઓ જ જ્યારે ખનિજ માફિયાઓની સાથે વહીવટીયા ખેલમાં ખિસ્સા ગરમ કરતા હોય ત્યારે ખનન રોકવાની બદલે અહીં ખનિજ ચોરી કરવા માટે રીતસર પ્રોત્સાહન પૂરું પાડ્યું હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે ત્યારે ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આ અંગે ઉચ્ચકક્ષાએ રહૂકત કરી તાત્કાલિક ધોરણે ગેરકાયદેસર ચાલતા વિધ પ્લાન્ટ પર કડક કાર્યવાહી કરવા માંગ કરી રહ્યા છે.



