પ્રમુખ-ઉપપ્રમુખની ઓચિંતી તપાસમાં નબળું બાંધકામ ઝડપાયું: બારી-છત પાસે તૂટેલી ઈંટો વપરાઈ
પ્રતિબંધિત સિલિકા રેતી અને તૂટેલી ઈંટોના વપરાશ મામલે ડેપ્યુટી ઈજનેર તથા કોન્ટ્રાક્ટરનો ઉધડો લેવાયો; તપાસ અને કાર્યવાહી નહીં થાય તો સદસ્યોની ધરણાની ચીમકી
- Advertisement -
સિલિકા રેતીના નમૂના લેવાયા, ગુણવત્તામાં ક્ષતિ જણાશે તો બાંધકામ તોડી પડાશે: કાર્યપાલક ઈજનેર
રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિકાસ કામોમાં સિલિકા રેતી વાપરવા પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કરાયો હોવા છતાં, ખુદ જિલ્લા પંચાયતના જ નિર્માણાધીન નવા ભવનમાં નિયમોનો ભંગ થઈ રહ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. રૂ. ૩૬ કરોડના ખર્ચે બની રહેલા નવા ભવનના બાંધકામમાં ભોગાવો રેતીને બદલે પ્રતિબંધિત સિલિકા રેતી, ઈંટોના કટકા અને જૂના લોખંડના સળિયા વપરાતા હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની સરપ્રાઈઝ વિઝિટ દરમિયાન સામે આવ્યું છે. આ મામલે પદાધિકારીઓએ સ્થળ પર જ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિઓ સામે નારાજગી વ્યક્ત કરી ઉધડો લીધો હતો.આ નવા ભવનનો મુખ્ય કોન્ટ્રાક્ટ સુરતની ‘એવરેસ્ટ બિલ્ડકોન’ને આપવામાં આવ્યો છે, જેણે રાજકોટના ભાજપ અગ્રણી અને જિલ્લા પંચાયતના સભ્ય અલ્પનાબેન તોગડિયાના દિયર પ્રકાશ તોગડિયાને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું સામે આવ્યું છે. કામની સમયમર્યાદા પૂર્ણ થવા આવી હોવા છતાં અત્યાર સુધીમાં માત્ર ૬૫ ટકા જ કામ પૂર્ણ થયું છે અને ૩૫ ટકા કામ હજુ બાકી છે.જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયા, ઉપપ્રમુખ સામત બાંભવા અને કારોબારી ચેરમેન નરસિંહ સોજીત્રાએ બાંધકામ સ્થળની ઓચિંતી તપાસ કરી ત્યારે બારી અને છતના ભાગે પાછળથી દીવાલોમાં સાંધામેળ કરી તૂટેલી ઈંટો લગાવી હોવાનું જોવા મળ્યું હતું. તપાસ દરમિયાન કારોબારી ચેરમેને દીવાલના સિમેન્ટનો ભાગ તોડીને હાથમાં મસળતા તેનો તરત જ ભૂકો થઈ ગયો હતો, જ્યારે ભાજપ અગ્રણી રાજ ચાવડાએ સિમેન્ટમાં ભેળવેલી સિલિકા રેતી પકડી પાડી હતી. આ મુદ્દે કોન્ટ્રાક્ટર ડેનિસ સોરઠિયા અને ડેપ્યુટી એન્જિનિયર શિવાંગ ચૌધરીને સ્થળ પર જ ઠપકો આપવામાં આવ્યો હતો. પદાધિકારીઓના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન જ પેટા કોન્ટ્રાક્ટર પ્રકાશ તોગડિયાના પ્રમુખ અને ઉપપ્રમુખ પર સતત વોટ્સએપ કોલ આવવા લાગ્યા હતા.પ્રમુખ સંજય પીપળિયાએ જણાવ્યું હતું કે, “કોન્ટ્રાક્ટરે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કર્યું નથી અને હજુ એક વર્ષ જેટલો સમય વીતી જાય તેમ છે. હલકી ગુણવત્તાના બાંધકામ અંગે કાર્યપાલક ઈજનેર એસ. આર. પટેલ અને ડીડીઓને રજૂઆત કરવામાં આવી છે. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો શિવરાજગઢના સદસ્ય લાલજી તળાવિયા, લોધીકાના દિલીપ સરવૈયા અને આણંદપરના જસ્મીન પીપળીયા સહિતના સદસ્યો સાથે મળીને ધરણાનો કાર્યક્રમ આપવામાં આવશે.”આ સમગ્ર મામલે કાર્યપાલક ઈજનેર એસ. આર. પટેલે સત્તાવાર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “કોન્ટ્રાક્ટરની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાથી વિલંબ બદલ અંદાજે રૂ. ૧૫ લાખની રકમ કાપી લેવામાં આવી છે. આ ઉપરાંત રૂ. ૧૦ કરોડના સિવિલ અને ઇલેક્ટ્રિક કામના જથ્થા વધારાની દરખાસ્ત હાલ મંજૂરી હેઠળ છે. નિયમ મુજબ બાંધકામમાં સિલિકા રેતી વાપરી શકાય નહીં; હાલ સ્થળ પરથી તેના નમૂના લેવાયા છે. જો લેબોરેટરી રિપોર્ટમાં સિલિકા રેતીનો ઉપયોગ સાબિત થશે, તો નિયમ મુજબ દંડ ફટકારવામાં આવશે અને તેટલું નબળું બાંધકામ તોડીને ફરીથી કરાવવામાં આવશે.”
- Advertisement -
પદાધિકારીઓ અને અધિકારીઓના નિવેદનો
ઉપપ્રમુખ સામત બાંભવાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર શિવાંગ ચૌધરી કોન્ટ્રાક્ટરને બચાવવા માટે સતત ખોટી માહિતી આપી રહ્યા છે. હલકી ગુણવત્તાનો માલ વપરાતો હોવા છતાં પગલાં લેવાને બદલે તેઓ કોન્ટ્રાક્ટરને છાવરી રહ્યા છે. હાલ સિલિકા રેતીના નમૂના લેવામાં આવ્યા છે અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ ડેપ્યુટી એન્જિનિયર સામે ડીડીઓ (DDO) સમક્ષ ખાતાકીય તપાસની માંગ કરવામાં આવી છે.”




