ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક અનોખા લગ્નપ્રસંગની દેશભરમાં ચર્ચા
500ની નોટોના 100 ફૂટ લાંબા હાર પહેરાવવા બંને વરરાજાને છત પર ચઢાવ્યા
- Advertisement -
ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક અનોખા લગ્નપ્રસંગે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય રીતે લગ્નમાં વરરાજાને ફૂલોના હાર કે પરંપરાગત ભેટ આપવામાં આવતી હોય છે, પરંતુ અહીં જીજાજીએ પોતાના બે સાળાઓને એવી ભેટ આપી કે લગ્નપ્રસંગ ચર્ચાનો વિષય બની ગયો છે. જીજાજીએ બંને વરરાજાઓને રૂ.500ની નવી નોટોથી બનેલા આશરે 100 ફૂટ લાંબા વિશાળ હાર પહેરાવ્યા હતા. આ હારની કિંમત પ્રત્યેક રૂ.1 કરોડ અને બંનેની કુલ કિંમત આશરે રૂ.2 કરોડ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાર એટલા લાંબા અને ભારે હતા કે વરરાજાઓને હાર પહેરાવવા માટે મકાનની છત પર ચઢાવવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ, આ અનોખો લગ્નપ્રસંગ મથુરા જિલ્લાના સુરીર વિસ્તારના નગલા ફોંડા ગામમાં યોજાયો હતો. દેવઉઠી એકાદશી બાદ લગ્નની સિઝન શરૂ થતાં શનિવારે ગામમાં બે સગા ભાઈઓની ઘોડેચઢીની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના યોગેન્દ્ર સિંહ અને કુશલપાલ સિંહના પુત્રો પ્રશાંત અને કાન્હા રાઘવનાં લગ્ન પ્રસંગે પરિવારજનો અને સંબંધીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન રાજસ્થાનના કામા વિસ્તારના રહેવાસી અને બંને વરરાજાઓના જીજાજી યોગેશ કુમાર ઉર્ફે ભૂરા ઠાકુરે પોતાના સાળાઓને ખાસ ભેટ આપવાનું નક્કી કર્યું હતું. તેમણે રૂ.500ની નવી નોટોથી તૈયાર કરાયેલા વિશાળ હાર બંને વરરાજાઓને પહેરાવ્યા હતા. દરેક હારની કિંમત આશરે રૂ.1 કરોડ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આમ, એક જ લગ્નપ્રસંગમાં જીજાજી દ્વારા સાળાઓને રૂ.2 કરોડની અનોખી ભેટ આપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
- Advertisement -
આશરે 100 ફૂટ લાંબા હારને સંભાળવા માટે અનેક લોકોને મહેનત કરવી પડી હતી. હારની લંબાઈ અને વજનને કારણે બંને વરરાજાઓને મકાનની છત પર ઊભા રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને આ વિશાળ નોટોના હાર પહેરાવવામાં આવ્યા હતા. લગ્નમાં ઉપસ્થિત મહેમાનો માટે પણ આ નજારો આશ્ચર્યજનક બની રહ્યો હતો. અનેક લોકોએ પોતાના મોબાઇલ ફોનમાં આ અનોખી ક્ષણને કેદ કરી હતી.
લગ્નપ્રસંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. એક તરફ જીજાજીની આ અનોખી ભેટની ચર્ચા થઈ રહી છે, તો બીજી તરફ આટલી મોટી રોકડ રકમ ક્યાંથી આવી અને તેના નાણાકીય સ્ત્રોત શું છે તેવા સવાલો પણ ઊભા થયા છે. અહેવાલો અનુસાર, આ મામલે દુલ્હાઓ અને તેમના જીજાજીએ કેમેરા સામે કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું. હાલ તો મથુરાના આ અનોખા લગ્ન અને કરોડોના નોટોના હાર સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.



