ટોક્યોમાં યોજાયેલી ત્રિસ્તરીય વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે સંમતિ સધાઈ
જાપાનને 1,000 કિલોમીટર સુધીની રેન્જ ધરાવતી ટાઇપ-25 એન્ટી-શિપ મિસાઇલ અને એટેક ડ્રોનના પરીક્ષણ માટે ભારતનું વિશાળ ક્ષેત્ર મળશે
- Advertisement -
ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગમાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જાપાનની સેના આવતા વર્ષથી પોતાની લાંબા અંતરની મિસાઈલોનું પરીક્ષણ ભારતની ફાયરિંગ રેન્જમાં કરી શકશે. ટોક્યોમાં યોજાયેલી મંત્રિસ્તરીય વાટાઘાટોમાં આ અંગે સંમતિ સધાઈ છે.જાપાન ૧૦૦૦ કિલોમીટર સુધીની મારક ક્ષમતા ધરાવતી ટાઈપ-૨૫ એન્ટી-શિપ મિસાઈલ અને નાના એટેક ડ્રોનનું પરીક્ષણ કરવા માંગે છે, પરંતુ ટાપુઓથી બનેલા જાપાન પાસે આટલી લાંબી રેન્જ ધરાવતી ખાલી જગ્યા નથી. વસ્તીની ઊંચી ગીચતા અને વ્યસ્ત દરિયાઈ માર્ગોને કારણે જાપાન માટે લાઈવ-ફાયર પરીક્ષણ મુશ્કેલ છે. તેની સામે ભારત પાસે વિશાળ સૈન્ય તાલીમ ક્ષેત્રો અને સમુદ્રમાં મોટી ઓપરેશનલ સ્પેસ ઉપલબ્ધ છે, જેથી જાપાનને પોતાની મિસાઇલોની ક્ષમતા ચકાસવાની તક મળશે.બંને દેશો સંરક્ષણ ટેક્નોલોજી અને સૈન્ય ઉત્પાદન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યા છે. યુનિકોર્ન સ્ટેલ્થ નેવલ માસ્ટ સિસ્ટમના પ્રોજેક્ટને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા પર ભાર મુકાયો છે. ’ડિઝાઈન વિથ જાપાન, મેક ઈન ઇન્ડિયા’ હેઠળ ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીમાં જરૂરી મંજૂરી મળવાની આશા છે. આ સિસ્ટમ દ્વારા યુદ્ધજહાજોના એન્ટેના અને સંચાર ઉપકરણોને એક જ માળખામાં ગોઠવી શકાશે, જેનાથી જહાજો દુશ્મનોના રડારમાં આવવાથી બચશે, તેમને ટ્રેક કરવા મુશ્કેલ બનશે, સંચાર તથા ઈલેક્ટ્રોનિક યુદ્ધ ક્ષમતા સુધરશે અને અલગ-અલગ એન્ટેના લગાવવાની જરૂરિયાત ઘટશે. ભારતીય અને જાપાની નૌકાદળ સમુદ્ર અને આકાશમાં દેખરેખ, ગુપ્તચર માહિતીની વહેંચણી, બચાવ તથા રાહત કામગીરી અને દરિયાઈ સુરંગો શોધવા-નષ્ટ કરવા જેવા કાર્યોમાં સહયોગ કરશે. બંને દેશો સાથે મળીને નૌસૈનિક જહાજો બનાવવાની શક્યતાઓ પણ ચકાસશે. હવાઈ ક્ષેત્રે ‘વીર ગાર્જિયન-ર૬’ અભ્યાસ બાદ હવે ડ્રોન અને માનવરહિત સાધનો સાથે સંયુક્ત કવાયત વધુ આધુનિક બનાવાશે તેમજ ઓછા સમયની સૂચના પર પણ અભ્યાસ થઈ શકશે.



