શેખ હસીનાએ તારિક રહમાન સરકારને દિલ્હી વિમાન મોકલવા કહ્યું, 16 ડિસેમ્બરે ‘વિજય દિવસે’ જ ઢાકા જવાની જીદ
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ પ્રથમ વખત પોતાની વાપસી માટે તારીખ જણાવી છે. તેઓ ૧૬ ડિસેમ્બરે પોતાના દેશમાં પરત ફરવા માંગે છે. તેમણે તારિક રહમાન સરકાર પાસે વિમાન મોકલવાની માંગ કરી છે. સમાચાર એજન્સી રોયટર્સ મુજબ, હસીનાના પ્રવક્તા સૈયદ મોજન્મેલ અલીએ મંગળવારે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે હસીના સરકારી એરલાઈન બિમાન બાંગ્લાદેશના વિમાન દ્વારા દિલ્હીથી ઢાકા પરત ફરવા માંગે છે. બાંગ્લાદેશ સરકારના પ્રવક્તાએ હસીનાની વાપસીની માંગ અંગે કોઈ જવાબ આપ્યો નથી.
બાંગ્લાદેશ સરકારના એક મંત્રીએ રવિવારે રોયટર્સને કહ્યું હતું કે હસીના પરત ફરતાં જ તેમની ધરપકડ કરીને જેલમાં ધકેલવામાં આવશે. હસીનાના પ્રવક્તા સૈયદ મોજન્મેલ અલીએ એમ પણ કહ્યું કે ૫ ઑગસ્ટ ૨૦૨૪ના રોજ હસીનાને જે બાંગ્લાદેશી વિમાન દ્વારા ભારત લાવવામાં આવ્યા હતા, હવે એ જ રીતે તેમની વાપસીની વ્યવસ્થા પણ સરકારે કરવી જોઈએ. હસીનાને બંધારણ વિરુદ્ધ દેશની બહાર મોકલવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં હવે તેમને પરત લાવવાની જવાબદારી સરકારની છે. ૧૬ ડિસેમ્બરે બાંગ્લાદેશમાં વિજય દિવસ મનાવવામાં આવે છે. આ જ દિવસે ૧૯૭૧માં પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધ પુરુ થયું હતું અને બાંગ્લાદેશ આઝાદ થયું હતું. આનાથી બાંગ્લાદેશમાં રાજકીય તણાવ વધી શકે છે. તેમની પાર્ટી અવામી લીગ પર પ્રતિબંધ લાગેલો છે. આ જ મહિનાની શરૂઆતમાં તેમણે નવા પાસપોર્ટ અને અન્ય જરૂરી દસ્તાવેજો માટે પણ અરજી કરી હતી. જોકે રહમાન સરકારે તેમની માંગ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો. બાંગ્લાદેશમાં સતત થઈ રહેલી હિંસા અને રાજકીય તણાવ વચ્ચે નેશનલ સિટિઝન પાર્ટી (NCP)ના પ્રમુખ અને સાંસદ નાહિદ ઇસ્લામે ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. નાહિદે કહ્યું કે ભારત એક ‘હત્યારણ’ને પોતાના દેશમાં આશ્રય આપી રહ્યું છે અને તેની ધરતીનો ઉપયોગ બાંગ્લાદેશ વિરુદ્ધ કરવામાં આવી રહ્યો છે.



