સ્વૈચ્છિક દબાણ દૂર ન કરે તો લેન્ડ રેવન્યુ કોડની કલમ-202 હેઠળ કાર્યવાહી કરી તોડી પાડવા રાજકોટ તાલુકા મામલતદારનો હુકમ
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીનો પર હોટલ, રેસ્ટોરન્ટ, કારખાના તેમજ ખેતી વિષયક દબાણના વધતા કિસ્સાઓ સામે વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત ત્રંબા (કસ્તુરબાધામ) ગામે ૪ ગુંઠા સરકારી ખરાબાની જમીન પર છેલ્લા ૧૫ વર્ષથી ગેરકાયદેસર કબજો જમાવી ખેતીની ઉપજ મેળવનાર ડી.જે.ના ધંધાર્થીને રાજકોટ તાલુકા મામલતદારે રૂ. ૩,૮૮,૫૧૨નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, જો સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવામાં ન આવે તો કલમ-૨૦૨ હેઠળ કાર્યવાહી કરી દબાણ તોડી પાડવાનો કડક હુકમ કરવામાં આવ્યો છે.રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરે કરેલી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, કસ્તુરબાધામ ગામે રહેતા મનોજભાઈ ભાણાભાઈ બાવળીયાએ ગામના રેવન્યુ સર્વે નંબર ૨૭૭ પૈકીની આશરે ૪.૦૦ ગુંઠા સરકારી ખરાબાની જમીન પર ખેતી વિષયક હેતુસર ગેરકાયદેસર કબજો કરી દબાણ કર્યું છે. આ અહેવાલના આધારે સરકાર તરફે બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ-૬૧ હેઠળ પેશકદમીનો કેસ દાખલ કરાયો હતો. કેસની સુનાવણી દરમિયાન સામાવાળાને નોટિસ પાઠવી અવારનવાર મુદતો આપવામાં આવી હતી, પરંતુ દબાણકર્તા મનોજ બાવળીયા જમીનની માલિકી અંગેના કોઈ પણ આધાર-પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આ જમીન પર આશરે છેલ્લા ૧૫ વર્ષથી ગેરકાયદેસર દબાણ હોવાનું સ્પષ્ટ થતા મામલતદાર કોર્ટે સરકાર પક્ષે ચુકાદો આપ્યો હતો.તાલુકા મામલતદાર કે. એચ. મકવાણાએ દબાણકર્તા પાસેથી નિયમોનુસાર વસૂલવાપાત્ર થતો ખેતી આકાર, અન્ય લોકલ સેસ તેમજ સરકારના ગેઝેટ મુજબ જંત્રીના ૧ ટકા લેખે કુલ રૂ. ૩,૮૮,૫૧૨નો દંડ વસૂલ કરવાનો હુકમ કર્યો છે. વધુમાં, રેવન્યુ તલાટી અને તલાટી કમ મંત્રીને તાત્કાલિક અસરથી દબાણવાળી જમીનનો કબજો ખુલ્લો કરાવી પંચરોજકામ મોકલી આપવા અને જો સ્વૈચ્છિક દબાણ દૂર ન થાય તો જમીન મહેસૂલ કાયદાની કલમ-૨૦૨ હેઠળ કાર્યવાહી કરી દબાણ હટાવવા સૂચના આપવામાં આવી છે.




