દિલ્હીમાં માત્ર BS6 વાહનો ચલાવવા અને કમર્શિયલ વહનોને બોર્ડર પર સૂચન
શાકભાજી, ફળો અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાય નહીં તે માટે રાજ્યની સરહદ પર વેરહાઉસ બનાવી ત્યાંથી પ્રદૂષણ રહિત વાહનો દ્વારા શહેરમાં સામાન મોકલવાનું માળખું 5 વર્ષમાં વિકસાવવા કોર્ટે સૂચન કર્યું
- Advertisement -
દિલ્હી-NCRમાં દર વર્ષે શિયાળામાં સર્જાતા ગંભીર વાયુ પ્રદૂષણના સંકટ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનની બેન્ચે હવાના પ્રદૂષણ સંબંધિત કેસની સુનાવણી કરતા જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે માત્ર દિલ્હી જ જવાબદાર નથી. કોર્ટે આ વખતે માત્ર એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) અંગે ચિંતા વ્યક્ત કરવાને બદલે પ્રદૂષણ નિયંત્રણ માટે ૫ વર્ષનો લાંબા ગાળાનો નક્કર પ્લાન રજૂ કરવા આદેશ કર્યો છે. સુનાવણી દરમિયાન બેન્ચે સ્પષ્ટપણે કહ્યું હતું કે કે જો સમગ્ર NCRમાં શક્ય ન હોય, તો ઓછામાં ઓછું દિલ્હીમાં તો માત્ર BS6 વાહનો જ ચાલે તેવી વ્યવસ્થા થવી જોઈએ. ઉલ્લેખનીય છે કે ૧ એપ્રિલ ૨૦૨૦થી અમલમાં આવેલા કડક ઉત્સર્જન ધોરણો મુજબના BS6 વાહનો જૂના BS4 વાહનોની તુલનામાં ઝેરી ધુમાડામાંથી નીકળતા પ્રદૂષક કણોને નોંધપાત્ર રીતે ઘટાડે છે.
કમર્શિયલ વાહનોથી થતા પ્રદૂષણને અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચન કરતા કહ્યું કે પ્રદૂષણ ફેલાવતા કમર્શિયલ વાહનોને દિલ્હીની બોર્ડર પર જ રોકવા જોઈએ, પરંતુ સાથે જ નાગરિકોને શાકભાજી, ફળો અને રોજિંદી જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો પણ અટકવો જોઈએ નહીં. ચીફ જસ્ટિસે રાજ્યની સરહદ પર વેરહાઉસ બનાવવાનું સૂચન કરતા પૂછ્યું હતું કે શું ત્યાંથી બેટરીથી ચાલતા અથવા પ્રદૂષણ ન ફેલાવતા વાહનો દ્વારા સામાન શહેરની અંદર પહોંચાડી શકાય છે? તેમણે ઉમેર્યું હતું કે આવી વ્યવસ્થા ભલે તાત્કાલિક ન બને, પરંતુ ૫ વર્ષમાં ચોક્કસ કરી શકાય છે.
કોર્ટે NCRના પડોશી રાજ્યોની જવાબદારી નક્કી કરતા સવાલ કર્યો હતો કે સંબંધિત રાજ્યો આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ કેમ નથી લઈ રહ્યા. હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોને NCRમાં પ્રદૂષણ ઘટાડવા માટે લેવામાં આવેલા પગલાંની માહિતી આપતો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. અગાઉ પણ કોર્ટે ગાઝિયાબાદ, ગ્રેટર નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદથી દિલ્હી આવતા રસ્તાઓ પર દોડતા વાહનોની મોટી સંખ્યા અને તેના ઉત્સર્જનને બગડતી હવાનું મુખ્ય કારણ ગણાવ્યું હતું.



