ડિજિટલ યુગની વાતો વચ્ચે સત્તાવાર વેબસાઇટ ‘અંડર પ્રોસેસ’, કચેરીમાં માહિતી પુસ્તિકા કે પુસ્તકો પણ ઉપલબ્ધ નથી
ખાનગી સંસ્થાઓ હેરિટેજ વીક ઉજવે છે, પરંતુ ખુદ સરકારી ખાતા પાસે પ્રચાર-પ્રસાર કે જાગૃતિ માટે કોઈ આયોજન નહીં
- Advertisement -
દેશભરમાં ૧૯ થી ૨૫ નવેમ્બર દરમિયાન ઐતિહાસિક સ્મારકોના સમૃદ્ધ વારસા, ઇતિહાસ અને કલા અંગે લોકજાગૃતિ ફેલાવવા માટે ‘રાષ્ટ્રીય વારસા સપ્તાહ’ (National Heritage Week)ની ઉજવણી કરવામાં આવી રહી છે. જોકે, રાજકોટ સ્થિત રાજ્ય સરકારના પુરાતત્ત્વ વિભાગની પ્રાદેશિક કચેરીમાં ઘોર નીરસતા જોવા મળી રહી છે. ડિજિટલ યુગની વાતો વચ્ચે પુરાતત્ત્વ ખાતાની સત્તાવાર વેબસાઇટ પર હેરિટેજ સ્થળોની કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી, એટલું જ નહીં કચેરીમાં રક્ષિત સ્મારકોને લગતી માહિતી પુસ્તિકા કે પુસ્તકો પણ ન હોવાથી સંસ્કૃતિપ્રેમીઓમાં ભારે નારાજગી વ્યાપી છે.સાંસ્કૃતિક મૂલ્યો ધરાવતા સ્મારકો, ઐતિહાસિક ઇમારતો, પુસ્તકાલયો, સંગ્રહાલયો અને મંદિરોના સંરક્ષણ, ઉત્ખનન તથા સમારકામ માટે પુરાતત્ત્વ વિભાગ કાર્યરત છે. રાજકોટની પ્રાદેશિક કચેરી હસ્તક આશરે ૧૯૬ જેટલા રક્ષિત સ્મારકોની જવાબદારી સોંપવામાં આવી છે. પરંતુ, તેમાંથી માત્ર એકાદ-બે સ્મારકોને બાદ કરતાં અન્ય કોઈ પણ સ્થળનું ઇ-સાહિત્ય કે પ્રિન્ટેડ સાહિત્ય ઉપલબ્ધ નથી. જો લોકોને પુરાતન સ્થળોની પ્રાથમિક માહિતી જ ન મળે, તો તેઓ તેનું ઐતિહાસિક મહત્ત્વ કઈ રીતે સમજી શકશે તેવા સવાલો સાથે ઇતિહાસ અને સંસ્કૃતિપ્રેમીઓએ તંત્રની કામગીરી સામે નિરાશા વ્યક્ત કરી છે. આ ગંભીર બેદરકારી અંગે રાજકોટ પ્રાદેશિક કચેરીના નિયામકે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, “પુરાતત્ત્વ ખાતાની વેબસાઇટ હાલ ‘અંડર પ્રોસેસ’ હોવાથી તેના પર માહિતી ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, રક્ષિત સ્મારકો અંગેના પુસ્તકો અને માહિતી પુસ્તિકાઓ મુખ્ય કચેરી હસ્તક મુદ્રણ કામગીરી હેઠળ છે. ઇ-સાહિત્ય, માહિતી પુસ્તિકા કે પુસ્તકો ક્યારે ઉપલબ્ધ થશે તે હાલ કહી શકાય તેમ નથી.” એક તરફ શહેરભરમાં વિવિધ ખાનગી અને સહકારી સંસ્થાઓ હેરિટેજ વીક અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજીને લોકોમાં વારસા પ્રત્યે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે, ત્યારે બીજી તરફ ખુદ પુરાતત્ત્વ વિભાગ રક્ષિત સ્મારકોની જાળવણી બાદ હવે તેના પ્રચાર-પ્રસાર અને લોકજાગૃતિના કાર્યમાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.




