25 ઈજાગ્રસ્ત, કન્નૌજમાં એક્સપ્રેસ-વે પર અકસ્માતઃ પિકનિક મનાવીને પરત ફરી રહ્યા હતા
કન્નૌજમાં લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે પર સ્કૂલ બસને ટ્રકે પાછળથી ટક્કર મારી દીધી. અકસ્માતમાં ૪ બાળકોનાં મોત થયા છે. ૨૫ લોકો ઈજાગ્રસ્ત છે. બસમાં ૫૦ બાળકો સહિત ૫૮ લોકો સવાર હતા. બાળકો આગ્રામાં પિકનિક મનાવીને કૌશાંબી પરત ફરી રહ્યા હતા. એસપી વિનોદ કુમારે જણાવ્યું- બસ કૌશાંબીની ઓરિએન્ટલ પબ્લિક સ્કૂલની છે. તે રાત્રે ૧૨ વાગ્યે આગ્રાથી રવાના થઈ હતી. મંગળવારે સવારે ૬ વાગ્યે બાળકોને ટોયલેટ જવા માટે બસ એક્સપ્રેસ-વે પર ઊભી રાખવામાં આવી હતી. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી દીધી. ટક્કર એટલી ભયાનક હતી કે બસનો પાછળનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. સીટો તુટી ગઈ. બાળકો સીટો વચ્ચે ફસાઈ ગયા. ચીસાચીસ મચી ગઈ હતી. પોલીસે રાહદારીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. બાળકોને બહાર કાઢ્યા. એમ્બ્યુલન્સ દ્વારા તિર્વા મેડિકલ કોલેજ પહોંચાડવામાં આવ્યા. અકસ્માત ઠઠિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ થયો હતો. અકસ્માતનું કારણ ટ્રક ડ્રાઇવરને ઝોકું આવી જવું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ૪ બાળકોમાં કૌશાંબીના આર્યન ચૌરસિયા (૧૪), રજી ઉલ્લાહ (૧૬), ફતેહપુરના જૈદ મિર્ઝા (૧૭) અને અરમાન (૧૭)નો સામેલ છે. સ્કૂલ મેનેજર સલમાન અને અન્ય એક બાળકની હાલત ગંભીર છે, જેમને કાનપુરની હેલેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. કન્નૌજ અકસ્માતમાં જીવ ગુમાવનાર કૌશાંબીના રજિ ઉલ્લાહની માતા સહાના બાનોની રડી-રડીને હાલત ખરાબ છે. તેઓ વારંવાર પોતાના એકમાત્ર પુત્રને યાદ કરીને રડી રહ્યાં છે.
કન્નૌજ અકસ્માતમાં ફતેહપુરના ધાતા બ્લોકના જ્યાંગીર નગર ગહુરેના રહેવાસી અરમાનનું મોત થયું છે. તે હાઈસ્કૂલનો વિદ્યાર્થી હતો. અરમાનના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં આક્રંદ મચી ગયો. માતા સોની અને પિતા રિયાઝ અહમદનો રડી-રડીને હાલ બેહાલ છે. રિયાઝ ગાડી ચલાવે છે. નાના ભાઈનું નામ અબ્દુલ રહમાન છે. મૃતક બાળકો અરમાન અને આર્યન ધોરણ ૮માં, જ્યારે રજીયુલ્લાહ અને મો. જૈદ ધોરણ ૧૦માં અભ્યાસ કરતો હતો. સ્કૂલ મેનેજર સલમાન અને અન્ય એક બાળકની હાલત નાજુક છે, જેમને કાનપુરની હેલેટ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.



