મોહમ્મદ યુનુસના ઘરમાં આગ લગાવી; શેખ હસીનાની વાપસી પહેલાં તોફાનો શરૂ, 565ની ધરપકડ
બાંગ્લાદેશમાં અવામી લીગ દ્વારા દેશવ્યાપી બંધના એલાન વચ્ચે હિંસા ભડકી ઊઠી છે. રાજધાની ઢાકામાં સવાર થવા પહેલાં અનેક સ્થળોએ દેશી બોમ્બ વિસ્ફોટ થયા. દેશના ઘણા ભાગોમાં આગચંપી, તોડફોડ અને હુમલાની ઘટનાઓ બની છે.પ્રદર્શનકારીઓએ અગાઉની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના ચટગાંવ સ્થિત પૈતૃક મકાનમાં આગ લગાવી દીધી. દેશના અલગ-અલગ ભાગોમાં તેમની ગ્રામિણ બેંકની અનેક શાખાઓમાં પણ આગ લગાવવામાં આવી.ઢાકામાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગના બે નેતાઓના ઘરો પર પણ હુમલા થયા. અખબારોના અહેવાલો અનુસાર, આ હુમલાઓ પાછળ પ્રધાનમંત્રી તારિક રહેમાનની પાર્ટી બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકરોનો હાથ હોવાની આશંકા છે.અવામી લીગે દેશભરમાં લોકડાઉનનું એલાન કર્યું છે. ધરપકડ કરાયેલા લોકોમાં હસીના સરકારમાં શિક્ષણમંત્રી રહી ચૂકેલા નુરુલ ઇસ્લામ નાહિદ પણ સામેલ છે. તેમને બુધવારે મધરાતે ઢાકા સ્થિત તેમના ઘરેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
- Advertisement -
અવામી લીગે ગયા વર્ષે વિશેષ ટ્રિબ્યુનલના તે ચુકાદાની વરસી પર આ લોકડાઉન અથવા બંધનું આહ્વાન કર્યું હતું, જેમાં ભૂતપૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવવામાં આવી હતી. હસીના પર જુલાઈ 2024ના વિદ્યાર્થી આંદોલનને દબાવવા દરમિયાન માનવતા વિરુદ્ધના ગુનાઓ આચરવાનો આરોપ હતો. છેલ્લા બે દિવસમાં બાંગ્લાદેશના 28 જિલ્લાઓમાં દેશી બોમ્બ વિસ્ફોટ થયા અને વાહનોમાં આગ લગાવવામાં આવી. મીડિયા અહેવાલો અનુસાર, ઓછામાં ઓછા બે BNP કાર્યાલયો અને પાર્ટીના એક નેતાના ઘરને પણ આગ ચાંપી દેવામાં આવી.બીજી તરફ, અવામી લીગના બે પાર્ટી કાર્યાલયો અને પાર્ટીના નેતાઓની પાંચ મિલકતોમાં આગ લગાવવામાં આવી. પોલીસે રાજધાનીમાં સુરક્ષા વધારી દીધી છે.મુખ્ય ફ્લાયઓવર પર વધારાના પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં આવન-જાવનના માર્ગો પર વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ મોટરસાઇકલ સવારો અને વાહનચાલકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન તારિક રહેમાને બુધવાર રાત્રે રાજકીય પક્ષો અને લોકતાંત્રિક શક્તિઓને અવામી લીગની ફરીથી સક્રિયતા રોકવા માટે એકજૂટ થવાની અપીલ કરી. તેમણે અવામી લીગને આતંકવાદી સંગઠન અને સત્તા પરથી હટાવવામાં આવેલી ફાસીવાદી શક્તિ ગણાવી.સંસદમાં પોતાના સંબોધનમાં તારિકે કહ્યું કે, 2024ની જેમ ફરી એકવાર એકજૂટ થઈને આવી શક્તિઓને નિર્ણાયક રીતે હરાવવી પડશે. તેમણે BNPના સાંસદોને પોતાના-પોતાના મતવિસ્તારોમાં પરત ફરવા અને પક્ષના કાર્યકરો સાથે રસ્તાઓ પર સક્રિય રહેવા પણ કહ્યું.’ધ ડેઇલી સ્ટાર’ અનુસાર, તારિકે સાંસદોને કહ્યું કે, અવામી લીગના કાર્યકરોનો સામનો કરવા માટે માત્ર સરકારી તંત્ર પર નિર્ભર ન રહે, પરંતુ પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સાથે મળીને કામ કરે.બાંગ્લાદેશમાં 5 ઑગસ્ટ 2024ના રોજ વિદ્યાર્થી આંદોલન બાદ શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. ત્યાર બાદ મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારની કમાન સંભાળી હતી.તેમની સરકારે અવામી લીગને ભંગ કરી દીધી હતી અને પાર્ટીના હજારો નેતાઓ તથા કાર્યકરોની ધરપકડ કરી હતી.હસીના હાલમાં ભારતમાં રહી રહ્યાં છે. તેમણે જુલાઈ 2026માં ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની અને ત્યાંની અદાલતમાં કાનૂની પ્રક્રિયાનો સામનો કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.આ મહિને તેમણે ફરીથી કહ્યું કે, તેઓ કોઈ પણ સંજોગોમાં ડિસેમ્બરમાં પરત ફરશે.સૌથી પહેલાં હસીનાના હોમટાઉન તુંગીપારામાં તણાવ વધ્યો. મંગળવારે અવામી લીગના સમર્થક હોવાની શંકામાં અનેક યુવકોની ધરપકડ કરવામાં આવી હતી.આ પછી સેંકડો લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનને ઘેરી લીધું. એક સ્થાનિક પત્રકારના જણાવ્યા મુજબ, તે સમયે પોલીસ સ્ટેશનમાં આશરે 30 શંકાસ્પદ કાર્યકર્તાઓને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે હિંસા કરનારાઓની ઓળખ કરીને તેમની વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવાની વાત કહી છે. તેમણે કહ્યું કે આરોપીઓની ઓળખ માટે ઑડિયો અને વીડિયો પુરાવાનો ઉપયોગ કરવામાં આવશે.




