હિજાબ વિના સ્લીવલેસ ડ્રેસમાં 4 પુરુષો સાથે લાઈવ કોન્સર્ટ કરવા બદલ ઈરાની ગાયિકા પર ક્રૂર કાર્યવાહીઃ 2 વર્ષ સુધી ગાવા પર પ્રતિબંધ
ઈરાનમાં હિજાબને લઈને લાંબા સમયથી વિવાદ
- Advertisement -
ઈરાનની ગાયિકા અને તેમના સાથીઓને સોમવારે ૭૪-૭૪ કોરડા મારવામાં આવ્યા. જૂન ૨૦ર૬માં કુમ શહેરની ક્રિમિનલ કોર્ટે તેમને આ સજા સંભળાવી હતી. કોર્ટે કલાકાર પર અશ્લીલ કન્ટેન્ટ પ્રકાશિત કરવાનો અને જાહેર શાલીનતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટે તમામ પર ર વર્ષ સુધી દેશ છોડવા અને કોઈપણ ગીત-સંગીતની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ મામલો ડિસેમ્બર ૨૦૨૪નો છે. તે સમયે ૨૯ વર્ષની પરસ્તુ અહમદીએ હિજાબ પહેર્યા વિના યુટ્યુબ પર લાઇવ કોન્સર્ટ કર્યો હતો. તેણે ઈરાનનું લોકપ્રિય દેશભક્તિ ગીત ‘અઝ ખૂને જવાનાને વતન’ (માતૃભૂમિના યુવાનોના લોહીથી) ગાયું હતું. આ દરમિયાન તેમણે હિજાબ વિના અને સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો.
કોન્સર્ટનો વીડિયો થોડા જ સમયમાં વાયરલ થઈ ગયો. આ વીડિયોને યુટ્યુબ પર ૧૦ લાખથી વધુ વખત જોવામાં આવ્યો. પરસ્તુ અહમદીના આ ૨૭ મિનિટના વીડિયોમાં તે સ્લીવલેસ ડ્રેસ પહેરીને ચાર પુરુષ સંગીતકારો સાથે ગીત ગાતી જોવા મળી રહી હતી. વીડિયોના કેપ્શનમાં તેમણે તેને કાલ્પનિક કોન્સર્ટ ગણાવ્યો હતો. પરસ્તુના આ વીડિયોને અનેક લોકોએ મહિલાઓની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું પ્રતીક ગણાવ્યો. ઈરાની અધિકારીઓએ તેને કાયદા વિરુદ્ધ ગણાવ્યું. ઈરાનમાં મહિલાઓ માટે જાહેર સ્થળોએ હિજાબ પહેરવો ફરજિયાત છે. અધિકારીઓએ હિજાબ પહેર્યા વિના ગીત ગાવાને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. ઓક્ટોબરમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે અપીલ બાદ પણ સજા યથાવત્ રાખવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. સંગઠને ઈરાનના અધિકારીઓને કોરડા મારવાની સજા અમલમાં ન મૂકવાની માંગ કરી હતી. ઈરાનમાં ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી મહિલાઓ માટે હિજાબ પહેરવો કાયદેસર રીતે ફરજિયાત છે. ઘણી મહિલાઓ આ નિયમોનો વિરોધ કરતી રહી છે.
આ મુદ્દો ૨૦૨૨માં સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ગયો હતો, જ્યારે ૨૨ વર્ષની મહસા અમીનીને તેહરાનમાં હિજાબ યોગ્ય રીતે ન પહેરવાના આરોપમાં કસ્ટડીમાં લેવામાં આવી હતી. ધરપકડના ત્રણ દિવસ બાદ તેમનું મૃત્યુ થયું હતું. ઈરાન સરકારનું કહેવું હતું કે તેમનું મૃત્યુ પહેલાથી રહેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે થયું હતું. માનવાધિકાર સંગઠનો અને સંયુક્ત રાષ્ટ્રની તપાસ ટીમે આ દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અમીનીનું મૃત્યુ ઈરાની અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી મારપીટને કારણે થયું હતું. મહસા અમીનીના મૃત્યુ બાદ સમગ્ર ઈરાનમાં મોટા પાયે પ્રદર્શન થયા હતા. હજારો મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને હિજાબના કાયદાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો. સરકારે આ પ્રદર્શનોને સખ્તાઈથી દબાવી દીધા.



