રાજકોટ મનપાના આરોગ્ય વિભાગના દરોડા : સિન્થેટિક કલર અને નોન-ફૂડ ગ્રેડ કેમિકલ્સનો પર્દાફાશ
બાપા સીતારામ ચોક નજીક ખોડીયાર ચટણી સીલ : ફ્રૂટ સ્ક્વોશ, ખજૂરની ચટણી અને લીલી ચટણીના નમૂના લીધા
- Advertisement -
વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ‘રજની નમકીન’ સીલ : 90 કિલોગ્રામ પડતર ફરસાણનો સ્થળ પર જ નાશ કરાયો
નાના મવા રોડ પરના ‘મહાદેવ નાસ્તા હાઉસ’ પેઢી સીલ : 20 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરાયો
રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે શહેરમાં ભેળસેળયુક્ત અને અસ્વચ્છ ખાદ્ય પદાર્થો સામે વધુ એક વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરી કડક કાર્યવાહી કરી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 92 પેઢી અને રેસ્ટોરન્ટની તપાસ દરમિયાન 179 કિલોગ્રામ વાસી અને અખાદ્ય ખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નિયમોના ભંગ બદલ 33 વેપારીઓને સ્ટોરેજ, લાઇસન્સ અને હાઈજેનિક કન્ડિશન અંગે નોટિસ આપવામાં આવી હતી તેમજ કુલ રૂ.51,500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ (FSSAI) હેઠળ 15 ખાદ્ય નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યારે ગંભીર અનિયમિતતાઓ સામે આવતા ત્રણ પેઢીઓને સીલ કરવામાં આવી હતી.
- Advertisement -
સૌથી ગંભીર કાર્યવાહી બાપા સીતારામ ચોક નજીક આવેલી ‘શ્રી ખોડીયાર ચટણી’ સામે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઉત્પાદન સ્થળે સિન્થેટિક ફૂડ કલર, નોન-ફૂડ ગ્રેડ કેમિકલ્સનો ઉપયોગ કરીને સોસ અને ચટણી બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. મનપાએ પેઢીને તાત્કાલિક સીલ કરી રૂ.2,000નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો તેમજ ફ્રૂટ સ્ક્વોશ, ખજૂરની ચટણી અને લીલી ચટણીના ત્રણ નમૂનાઓ તપાસ માટે લેવામાં આવ્યા હતા.
વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘રજની નમકીન’ પેઢીમાંથી અંદાજે 90 કિલોગ્રામ પડતર ફરસાણ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. અનહાઈજેનિક સ્થિતિ બદલ પેઢીને સીલ કરી રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે નાના મવા રોડ પર આવેલી ‘મહાદેવ નાસ્તા હાઉસ’ પેઢીમાંથી 20 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય સામગ્રીનો નાશ કરીને પેઢીને સીલ કરવામાં આવી હતી અને રૂ.3,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
શહેરના ભુપેન્દ્ર રોડ, સાંગણવા ચોક, લાખાજીરાજ રોડ, નાના મવા રોડ, કૃષ્ણનગર, નાગેશ્વર રોડ, ગોકુલનગર, ખોડિયારનગર અને યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં આવેલી અનેક હોટલ, રેસ્ટોરન્ટ, પાન-કોલ્ડ્રિંક્સ, ફરસાણ અને કિરાણા સ્ટોર્સમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. લાઇસન્સ વગર વ્યવસાય ચલાવવો, અનહાઈજેનિક સ્થિતિ, યોગ્ય લેબલિંગનો અભાવ, ખાદ્ય સામગ્રીનું અયોગ્ય સ્ટોરેજ, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ અને મીઠાઈ પર ઉત્પાદન તથા ‘યુઝ બાય’ તારીખ દર્શાવવામાં ન આવવી જેવી ખામીઓ બદલ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સેલિબ્રેશન રેસ્ટોરન્ટમાંથી 9 કિલોગ્રામ, સત્વમ રેસ્ટોરન્ટમાંથી 5 કિલોગ્રામ, એમ.એસ. સુપર માર્કેટમાંથી 10 કિલોગ્રામ કોકોનટ ખમણ અને જેલી ક્રિસ્ટલ, બાપા સીતારામ આલુપુરી ખાવસામાંથી 2 કિલોગ્રામ કોકમની ચટણી તથા પટેલ ફરસાણ નમકીનમાંથી 20 કિલોગ્રામ પ્રિન્ટેડ પસ્તી અને ફરસાણનો નાશ કરવામાં આવ્યો હતો.
મનપાએ આ કાર્યવાહી સાથે અલગ-અલગ સ્થળોએ સેમ્પલિંગ અભિયાન પણ હાથ ધર્યું હતું. શાસ્ત્રી મેદાન સામે આવેલી MDM કિચનમાંથી તૈયાર ખોરાક, મસાલા અને ચણાના કુલ આઠ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. વાવડી સ્થિત માહી ફૂડ પ્રોડક્ટ્સમાંથી ચકરી અને ફરસાણના નમૂનાઓ લેવામાં આવ્યા હતા તેમજ અયોગ્ય સ્ટોરેજ અને લેબલિંગના અભાવ બદલ રૂ.5,000નો વહીવટી ચાર્જ વસૂલ કરી 10 કિલોગ્રામ લોટનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ અને ગાયના દૂધના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા. કોઠારીયા રોડ પર આવેલી શ્રી કૈલાશ ડેરી ફાર્મ સામે લાઇસન્સના અભાવ બદલ કાર્યવાહી કરીને રૂ.1,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.




