‘બુક ભૂલી ગયા’નું કહી ટીચર મોહિત ટાંક ફલેટ પર લઈ ગયો હતો,
રાજકોટમાં 8 મહિને દીકરીએ માતાને આપવીતી સંભળાવી
- Advertisement -
રાજકોટ શહેરમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી અને ધોરણ-૯માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની સગીરાને તેના જ પૂર્વ શિક્ષકે ગણિતમાં સારા માર્ક્સ પાસ કરાવવાની લાલચ અને નાપાસ કરવાની ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કૃત્ય રાજકોટની સરકારી ’મધર ટેરેસા સ્કૂલ નંબર ૮૮’ના મેથ્સના શિક્ષક મોહિત ટાંક દ્વારા આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સગીરાની માતાએ લગાવ્યો છે.
રાજકોટના કાલાવડ રોડ પર રહેતી અને જેના પતિ ગેરેજમાં કામ કરે છે, એવી એક મહિલાએ તાલુકા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની ૧૪ વર્ષની દીકરી હાલ બારદાનવાલા કન્યા વિદ્યાલયમાં ધોરણ-૯માં ભણે છે પરંતુ, વર્ષ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન તે ધોરણ ૬થી ૮નો અભ્યાસ ‘મધર ટેરેસા સ્કૂલ નંબર ૮૮’માં કરતી હતી. ગત ૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ દીકરી ખૂબ જ ગુમસુમ અને ગભરાયેલી જણાતા માતાએ તેને હિંમત આપીને પૂછપરછ કરી હતી ત્યારે દીકરીએ હૈયાફાટ રુદન સાથે પોતાની આપવીતી વર્ણવી હતી, જે સાંભળીને માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. સગીરાએ માતાને જણાવ્યું કે, ગત ૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જ્યારે તે મધર ટેરેસા સ્કૂલમાં ધોરણ-૮માં ભણતી હતી ત્યારે મેથ્સનો પિરિયડ લેવા આવતા મોહિત ટાંક સર કહેતા હતા કે, “હું તને મેથ્સમાં સારા માર્કસ આપી પાસ કરાવી દઈશ, તું મને બહુ ગમે છે.“ ત્યારબાદ ક્લાસમાં કોઈ ન હોય ત્યારે તેઓ તેને શારીરિક અડપલાં કરતા હતા. સગીરા ના પાડતી તો તેને મેથ્સમાં ફેઈલ કરવાની અને ભણતરમાં આગળ ન વધવા દેવાની ધમકી આપતા હતા, જેનાથી ડરીને તે કોઈને કશું કહી શકતી ન હતી. આ ઘટના ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બની હતી. સવારે ૭:૧૫ વાગ્યે સગીરા સ્કૂલે પહોંચી ત્યારે ઓફિસમાં બેઠેલા મોહિત સરે તેને બોલાવીને કહ્યું કે “આપણે ઘરે જવું છે. ‘સગીરાએ ના પાડીને સીડી ચડવા લાગી ત્યારે શિક્ષકે પાછળ જઈને તેનું બેગ ખેંચી લીધું અને ધમકી આપી કે, “જો કોઈ પૂછે તો કહેવાનું કે હું બુક ભૂલી ગઈ છું એટલે સર ઘરે મૂકવા આવે છે. જો મારી વાત નહીં માને તો મેથ્સમાં ફેઈલ કરી દઈશ.” ધમકીથી ડરી ગયેલી માસૂમ સગીરાને શિક્ષક પોતાની ફોરવ્હીલ કારમાં બેસાડીને મવડી રોડ સ્વામિનારાયણ ચોક આસપાસ આવેલા પોતાના સૂમસામ ફ્લેટ પર લઈ ગયો હતો. ત્યાં તેને બેડરૂમમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ સવારે ૮:૩૦ વાગ્યે શિક્ષક તેને સ્કૂલની થોડે દૂર ઉતારી ગયો હતો. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આ ઘટના બાદ પણ શિક્ષકની હવસ સંતોષાઈ નહોતી. ૨૦ એપ્રિલ, ૨૦૨૬ સુધી તે અવારનવાર અન્ય વિદ્યાર્થીઓ મારફતે સગીરાને ખાલી ક્લાસરૂમમાં બોલાવતો હતો અને તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો. આ સમયે પણ તે ધમકી આપતો હતો કે, ‘‘જો તું હું કહું એમ નહીં કરવા દે તો તને ફેઈલ કરી દઈશ અને હું મારી જાતે મારા હાથે છરકા (બ્લેડ મારી) દઈશ.” હાલ આ સમગ્ર ગંભીર મામલે ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે રાજકોટ તાલુકા પોલીસે આરોપી શિક્ષક મોહિત ટાંક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા અને વધુ તપાસ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ખાસ ખબર ન્યૂઝના અહેવાલ સાચા ઠર્યા! : શિક્ષણ સમિતિની શાળાઓમાં માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં શિક્ષિકાઓના પણ શોષણ થઇ રહ્યા છે
તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા કિસ્સાઓ બહાર આવવાની શક્યતા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા અને શૈક્ષણિક વાતાવરણને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. ખાસ ખબર ન્યૂઝ દ્વારા અગાઉ પ્રકાશિત અહેવાલોમાં શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓમાં કથિત શોષણની પ્રવૃત્તિઓ અંગે જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, તે હવે સાચા ઠર્યા છે. માત્ર વિદ્યાર્થીનીઓ જ નહીં પરંતુ શિક્ષિકાઓ સાથે પણ શોષણ થતું હોવાની ચર્ચાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે. જો આ મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અન્ય શાળાઓમાં પણ આવા કિસ્સાઓ બહાર આવવાની શક્યતા છે. શાળા નંબર 19માં પણ આવી પ્રવૃતિઓ ચાલતી હોવાની ચર્ચા થઇ રહી છે.




