ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસર, સેન્સેક્સ ડે-હાઈથી 1800 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ 500 પોઈન્ટનો ઘટાડો
સપ્તાહનો પ્રથમ કારોબારી દિવસ સોમવાર શેરબજારના રોકાણકારો માટે ‘Black Monday’ સાબિત થઈ રહ્યો છે. જોરદાર તેજી સાથે ઓપનિંગ થયા બાદ અચાનક માર્કેટ ક્રેશ થઈ ગયું. સેન્સેક્સ-નિફ્ટી એવી રીતે ગગડ્યા કે હાહાકાર મચી ગયો. શેરબજારની શરૂઆત પર નજર કરીએ તો સેન્સેક્સ તેના અગાઉના ૮૩,૯૧૯ના બંધ સ્તરની સરખામણીએ તેજ છલાંગ લગાવીને ૮૪,૪૨૧ પર ઓપન થયો અને ત્યારબાદ શરૂઆતની થોડી મિનિટોમાં ૭૪૩ પોઈન્ટના જોરદાર ઉછાળા સાથે ૮૪,૬૬૨ના સ્તરે પહોંચી ગયો હતો. પરંતુ ત્યારબાદ તેના ઘટાડાનો જે સિલસિલો શરૂ થયો, તે બજારમાં કારોબાર આગળ વધવા સાથે સતત વધતો ગયો. સેન્સેક્સ ડે-હાઈથી ૧૮૦૦ પોઈન્ટ ગગડીને ૮૨,૮૬૨ પર આવી ગયો હતો. સેન્સેક્સમાં શરૂઆતના કારોબારમાં ૭૦૦ પોઈન્ટનો શેરબજારના ક્રેશને કારણે શેરબજારના રોકાણકારોને ઉછાળો આવ્યા બાદ બપોરે ૧ વાગ્યાની આસપાસ તે ડે-હાઈથી ૧૮૦૦ પોઈન્ટ ગગડી ગયો, જ્યારે નિફ્ટી પણ ૫૦૦ પોઈન્ટથી વધુ તૂટી ગયો. જેનાથી રોકાણકારોના એક ઝાટકામાં ૫ લાખ કરોડથી વધુ સ્વાહા થઈ ગયા.
થયેલા નુકસાન પર નજર કરીએ તો તે ભારે ભરખમ છે. તેનો અંદાજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશન પરથી લગાવી શકાય છે. ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે બીએસઈ માર્કેટ કેપ લગભગ ૫૧૫ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું, જે સોમવારે બપોરે ૧ વાગ્યે ઘટીને ૫૧૦ લાખ કરોડ રૂપિયા રહી ગયું. એટલે કે રોકાણકારોના લગભગ ૫ લાખ કરોડ રૂપિયા બજારની સુનામીમાં ધોવાઈ ગયા. નિષ્ણાતો અનુસાર, દુનિયાભરના બજારોમાં થયેલા ઘટાડાની અસર ભારતીય બજારો પર પણ જોવા મળી રહી છે. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધુ વેચવાલી છે.



