જોધપુર અને દિલ્હીમાં 22 કેરેટ હોલમાર્કવાળા સોનામાં ભેળસેળના કિસ્સા સામે આવ્યા
સોનાના રંગ અને વજનમાં ખાસ ફેરફાર ન થતો હોવાથી ઓળખવું મુશ્કેલ, BISની હોલમાર્કિંગ વ્યવસ્થા સામે પણ સવાલો
- Advertisement -
સોનાની ખરીદીમાં હવે માત્ર હોલમાર્ક જોઈને નિશ્ચિંત થવાનો સમય રહ્યો નથી : સોનું ખરીદતા પહેલાં તેની સાચી શુદ્ધતાની ખાતરી કરવી ગ્રાહકો માટે અનિવાર્ય
ભારતીય પરિવારો માટે સોનું માત્ર ઘરેણું કે રોકાણનું સાધન નથી, પરંતુ લાગણી, વિશ્વાસ અને સુરક્ષાનું પ્રતીક છે. દીકરીના લગ્ન માટે ખરીદેલું સોનું હોય કે ખેડૂતની જીવનભરની બચતમાંથી ખરીદેલું ઘરેણું, દરેક ખરીદી પાછળ એક વિશ્વાસ જોડાયેલો હોય છે. પરંતુ હવે આ વિશ્વાસ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દેશમાં સોનામાં ચીનથી આવતા રેનિયમ પાઉડરની ભેળસેળ થતી હોવાની આશંકાએ ગ્રાહકોની ચિંતા વધારી છે. તાજેતરમાં રાજસ્થાનના જોધપુર અને દિલ્હીમાં સોનામાં રેનિયમની ભેળસેળના કિસ્સા સામે આવ્યા છે. તપાસમાં 22 કેરેટના હોલમાર્કવાળા સોનાના એક નમૂનામાં માત્ર 81.73 ટકા શુદ્ધ સોનું હોવાનું બહાર આવ્યું હતું. રેનિયમ ઉપરાંત ટંગસ્ટન, ઓસ્મિયમ અને ઇરિડિયમ જેવી ભારે ધાતુઓનો ઉપયોગ પણ ભેળસેળ માટે થતો હોવાની ચર્ચા છે. રેનિયમની ખાસિયત એ છે કે તે સોના જેવું ભારે અને દેખાવમાં ચમકદાર હોવાથી સામાન્ય તપાસમાં પકડવું મુશ્કેલ બને છે. સોનાના રંગ અને વજનમાં પણ ખાસ ફેરફાર થતો નથી. પરિણામે ઘરેણું જોઈને કે માત્ર વજન કરીને તેની શુદ્ધતા નક્કી કરવી મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એક ગ્રામ રેનિયમની કિંમત આશરે રૂ.500 હોવાનું જણાવાય છે.
આ સમગ્ર મામલે ચીનના શેનઝેન શહેરના એક એજન્ટનું નામ પણ તપાસમાં સામે આવ્યું હોવાનો દાવો છે. રેનિયમનો ઉપયોગ સામાન્ય રીતે જેટ એન્જિન, પેટ્રોલિયમ રિફાઇનરી અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં થાય છે. વર્ષ 2025માં વિશ્વમાં માત્ર 81 ટન રેનિયમનું ઉત્પાદન થયું હતું. બીજી તરફ, હોલમાર્કિંગની વિશ્વસનીયતા સામે પણ સવાલો ઊભા થયા છે. કેગના અહેવાલમાં BISની દેખરેખ વ્યવસ્થામાં ખામીઓ દર્શાવવામાં આવી હતી. હોલમાર્કિંગ કેન્દ્રોની તપાસના નિર્ધારિત લક્ષ્યાંકમાં આશરે 44 ટકા કામગીરી અધૂરી રહી હોવાનું સામે આવ્યું હતું. નિષ્ણાતોના મતે XRF મશીનથી માત્ર સપાટી પરની ધાતુઓની તપાસ થઈ શકે છે. જો અંદર ભેળસેળ કરીને બહાર શુદ્ધ સોનાનું પડ ચઢાવવામાં આવ્યું હોય તો વધુ ચોક્કસ ફાયર એસે ટેસ્ટ જરૂરી બને છે. ગ્રાહકોએ સોનું ખરીદતી વખતે BIS હોલમાર્ક, HUID નંબર અને BIS Care એપ પર તેની વિગતોની ખરાઈ કરવી જોઈએ. અસામાન્ય રીતે ઓછો મજૂરી ખર્ચ આપતી ઓફરોથી પણ સાવધાન રહેવું જરૂરી છે.
- Advertisement -
કેટલા કેરેટમાં કેટલા ટકા શુદ્ધ સોનાનું પ્રમાણ હોય છે
24 કેરેટમાં 99.9 ટકા
22 કેરેટમાં 91.67 ટકા
18 કેરેટમાં 75 ટકા
09 કેરેટમાં 37.5 ટકા
રેનિયમના ઉત્પાદનમાં દક્ષિણ અમેરિકાનો દેશ ચિલી નંબર વન
હવે સવાલ એ થાય કે રેનિયમ જેવી દુર્લભ ધાતુ આખરે મળે છે ક્યાંથી? શું સોનાની જેમ તેની પણ ખાણો હોય છે? રેનિયમની વાત જ થોડી અનોખી છે. આ ધાતુ સામાન્ય રીતે સીધી ખાણમાંથી મળતી નથી, પરંતુ બીજી ધાતુઓ કાઢવાની પ્રક્રિયા દરમિયાન મળે છે. હવે તમને સવાલ થશે કે દુનિયામાંથી રેનિયમ કેટલું મળે છે? એનો આંકડો જાણીને તમને નવાઈ લાગશે. વર્ષ 2025માં આખી દુનિયામાં માત્ર 81 ટન રેનિયમનું ઉત્પાદન થયું હતું. રેનિયમના ઉત્પાદનમાં દક્ષિણ અમેરિકાનો દેશ ચિલી નંબર વન છે. વર્ષ 2025માં ચિલીએ આશરે 30 ટન રેનિયમનું ઉત્પાદન કર્યું હતું. એટલે દુનિયામાં જેટલું રેનિયમ બને છે, તેમાં લગભગ 40 ટકા હિસ્સો એકલા ચિલીનો છે. એના પછી ચીનનો નંબર આવે છે. દુનિયાના કુલ ઉત્પાદનમાં એનો હિસ્સો 25 ટકા જેટલો છે. એ સિવાય પોલેન્ડ, ઉઝબેકિસ્તાન, દક્ષિણ કોરિયા અને કઝાકિસ્તાનમાંથી પણ રેનિયમ મેળવાય છે.
તાંબું કાઢતી વખતે જે અવશેષો બચે તેમાંથી પણ રેનિયમ મેળવવામાં આવે છે
રેનિયમ મેળવવાની બીજી પણ એક રીત છે. કેટલીક જગ્યાએ તાંબું કાઢતી વખતે જે અવશેષો બચે છે, એમાંથી પણ રેનિયમ મેળવવામાં આવે છે. આર્મેનિયા, કઝાકિસ્તાન, પોલેન્ડ, રશિયા અને ઉઝબેકિસ્તાન જેવા દેશો આ રીતે રેનિયમ મેળવે છે. જૂના રેનિયમનો ફરી ઉપયોગ પણ થાય છે. એટલે કે જેટ એન્જિન કે રિફાઇનરીમાં વપરાઈ ચૂકેલા કેટલાક ભાગોમાંથી રેનિયમ પાછું કાઢવામાં આવે છે. જેને રિસાઇકલિંગ કહેવામાં આવે છે. આ કામમાં અમેરિકા અને જર્મની આગળ છે. કેનેડા, એસ્ટોનિયા, ફ્રાન્સ, જાપાન, પોલેન્ડ અને રશિયા પણ આ રીતે રેનિયમ મેળવે છે.
રેનિયમનો સૌથી મોટો ઉપયોગ વિમાનના જેટ એન્જિનમાં થાય છે
હવે સવાલ એ થાય કે, આટલી દુર્લભ ધાતુનો ક્યાં ઉપયોગ થાય છે ? રેનિયમનો સૌથી મોટો ઉપયોગ વિમાનના જેટ એન્જિનમાં થાય છે. ખાસ કરીને એન્જિનના એવા ભાગોમાં, જ્યાં આગ જેવી ગરમી પેદા થાય છે. રેનિયમ ગરમીમાં પણ સહેલાઈથી પીગળતું નથી. એ સિવાય પેટ્રોલિયમ રિફાઇનરીમાં પેટ્રોલ અને ડીઝલ બનાવવાની પ્રક્રિયામાં પણ એનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રોનિક્સ, ખાસ પ્રકારનાં હીટિંગ સાધનો અને સેમિકન્ડક્ટર બનાવવામાં પણ આ ધાતુ કામ આવે છે.



