ખાસ ખબર’ના અહેવાલનો પડઘો : વિવાદિત ‘સેન્ટ જોસેફ સ્કૂલ’ સામે શિક્ષણ વિભાગની કાર્યવાહી
તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની તપાસમાં શાળા રહેણાંક મકાનમાં ચાલતી હોવાનો ઘટસ્ફોટ
- Advertisement -
અમરેલી જિલ્લાના રાજુલા શહેરના છતડીયા રોડ પર ભરતનગર વિસ્તારમાં આવેલી ‘સેન્ટ જોસેફ’ નામની ખાનગી શાળા હાલ ભારે વિવાદોના કારણે ચર્ચાનું કેન્દ્ર બની છે. આ શાળા રહેણાંક મકાનમાં ધમધમતી રહી છે. આ અહેવાલ ખાસ-ખબર દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. અને અહેવાલ બાદ શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યુ છે, અને શાળાની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગે શાળાને નોટિસ ફટકારી અને બે દિવસમાં લેખિત ખુલાસો આપવા આદેશો આપ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજુલાના ભરતનગર વિસ્તારમાં આવેલ ‘સેન્ટ જોસેફ’ નામની ખાનગી શાળા રહેણાંક મકાનમાં ચાલી રહી છે. શાળાના સંચાલકો પોતે વસવાટ પણ ત્યાં જ કરે છે અને, ત્યાં જ ધોરણ ૧ થી ૪ ના ભૂલકાઓનું શૈક્ષણિક કાર્ય પણ ચલાવવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી આ સ્કૂલમાં બાળકો માટે પૂરતી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. મકાનની અંદર વર્ગખંડો એટલા સાંકડા છે કે બાળકોને બેસવામાં પણ ભારે તકલીફ પડે છે. સરકારી નિયમો મુજબ શાળા માટે રમતનું ગ્રાઉન્ડ અને યોગ્ય સાઈઝના વર્ગખંડો ફરજિયાત હોવા જોઈએ પરંતુ આ શાળા પાસે બાળકોના શારીરિક વિકાસ માટે રમતનું મેદાન પણ નથી. આવી રહેણાંક મકાનમાં ચાલતી શાળા સામે અનેક સવાલો ઉઠ્યા છે. શું? શાળાના સંચાલકોએ ક્યાં આધારે તંત્ર પાસે રહેણાંક મકાનમાં શાળા શરૂ કરવા માટે મંજૂરી લીધી હશે! તે પણ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતીના આધારે, આ શાળા જ્યાં રહેણાંક મકાનમાં ચાલી રહી ત્યાં ત્યાં જેતે સમયે રહેણાંક મકાન માટેની તંત્રની પાસેથી મંજૂરી લેવામાં આવેલ છે, તો સવાલ એ પણ ઉભો થાય છે તો આ શાળા રહેણાંક મકાનમાં કેમ ચાલતી હશે? ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી શાળા સામે યોગ્ય કાર્યવાહીની માંગ ઉઠી છે. ખાસ ખબરના અહેવાલ બાદ ઇન્ચાર્જ રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સોયબભાઇ સુમરા સહિત ટીમ રૂબરૂ જઈને શાળાની તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમિયાન શાળામાં ખામી જણાતા શિક્ષણ વિભાગ દ્વારા શાળાને નોટિસ આપવામાં આવી છે, અને બે દિવસમાં લેખિત જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે, શિક્ષણ વિભાગની તપાસ બાદ હવે શાળાના સંચાલકોના જવાબ બાદ આગળની શું કાર્યવાહી થશે તેના પર સૌ કોઈની નજર રહેશે.




