27 ઓક્ટોબરની બેઠકમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય
ધ્વજાજી ચડાવનાર અને વિશેષ ભોગ-મનોરથ કરાવનાર વૈષ્ણવોને મંદિર સમિતિની મંજૂરી બાદ નિયુક્ત ફોટોગ્રાફર મારફતે જ ફોટોગ્રાફી કરાવવાની રહેશે
- Advertisement -
જગત મંદિર તરીકે પ્રખ્યાત ભગવાન દ્વારકાધીશના મંદિરમાં ધ્વજાજી ચડાવવા તેમજ વિશેષ ભોગ-મનોરથ સહિતના ધાર્મિક પ્રસંગોની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાવવા માંગતા વૈષ્ણવો માટે મંદિર વ્યવસ્થાપક સમિતિ દ્વારા નવી વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે મંદિર પરિસરમાં આ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરાવવા માટે વૈષ્ણુઓએ રૂ.2,500ની નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. દ્વારકાધીશ મંદિરની વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરવામાં આવેલી જાણકારી મુજબ, મંદિર ખાતે વર્ષ દરમિયાન યોજાતા વિવિધ ધાર્મિક ઉત્સવો, વૈષ્ણવો દ્વારા કરવામાં આવતા ભોગ-મનોરથ તેમજ ધ્વજાજી ચડાવવાના પ્રસંગોએ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરવા અંગે મંદિર વ્યવસ્થાપક સમિતિની તા.27 ઓક્ટોબર, 2026ના રોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઠરાવ નંબર-11 અંતર્ગત આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સમિતિની બેઠકમાં સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું કે, શ્રી દ્વારકાધીશ મંદિરમાં ધ્વજાજી ચડાવનાર તેમજ વિશેષ ભોગ-મનોરથ કરાવનાર ઈચ્છુક વૈષ્ણવો જરૂરી મંજૂરીઓ મેળવીને મંદિર સંસ્થા દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ફોટોગ્રાફર પાસે જ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીની સેવા મેળવી શકશે. આ સેવા માટે વૈષ્ણવોએ રૂ.2,500ની ફી મંદિર ખાતે ભરવાની રહેશે. સાથે જ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માટે મંદિર દ્વારા નક્કી કરવામાં આવેલી જરૂરી શરતોનું પાલન કરવાનું રહેશે. મંદિર વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, ભોગ-મનોરથ, ધ્વજાજી સહિતના ધાર્મિક પ્રસંગો માટે ફોટોગ્રાફી કે વિડિયોગ્રાફી કરાવવા ઈચ્છુક વૈષ્ણવોએ અગાઉથી જરૂરી મંજૂરી મેળવવાની રહેશે. ત્યારબાદ વહીવટદાર કચેરી મારફતે નિયુક્ત ફોટોગ્રાફરની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ નિર્ણય અંગે વૈષ્ણવોને જાણકારી પહોંચાડવા માટે વહીવટદાર અને નાયબ કલેક્ટર, દ્વારકાધીશ મંદિર દ્વારા સંબંધિતોને જાણ કરવામાં આવી છે. આમ, દ્વારકાધીશ મંદિરમાં ધાર્મિક પ્રસંગોની યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરાવવા હવે વૈષ્ણવોએ નિર્ધારિત પ્રક્રિયા અને રૂ.2,500ની ફી સાથે મંદિર તંત્રની મંજૂરી મેળવવી પડશે.



