કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાની ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત
નર્સિંગ ઓફિસર સામે મહિલા ડોક્ટર સાથે અયોગ્ય વર્તનના આક્ષેપ, ઇમરજન્સી ટ્રોમા સેન્ટર પાસે તબીબોનો વિરોધ
- Advertisement -
રાજકોટની એઈમ્સ (AIIMS) હોસ્પિટલમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે છેડતી થયાના આક્ષેપને પગલે તબીબી જગતમાં ખળભળાટ મચી ગયો છે. હોસ્પિટલના કાયમી કર્મચારી અને નર્સિંગ ઓફિસર લલિત સામે મહિલા ડોક્ટર સાથે અયોગ્ય વર્તન અને છેડતીના આક્ષેપો થયા છે. આ ઘટના ગત રાત્રે બની હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે રેસિડેન્ટ ડોક્ટરોમાં ભારે રોષ ફેલાયો છે અને આશરે 50થી 60 જેટલા તબીબો હડતાળ પર ઉતરીને એઈમ્સ હોસ્પિટલના ઇમરજન્સી ટ્રોમા સેન્ટર પાસે એકત્ર થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક નર્સિંગ ઓફિસર દ્વારા મહિલા રેસિડેન્ટ ડોક્ટર સાથે છેડતી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો છે. મહિલા તબીબની સુરક્ષા અને આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ સાથે મોટી સંખ્યામાં ડોક્ટરો ઇમરજન્સી ટ્રોમા સેન્ટર પાસે બેસી ગયા હતા અને હડતાળ શરૂ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ રાજકીય અને સામાજિક સ્તરે પણ હલચલ મચી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આ મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરી હતી. તેમણે એઈમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર અંકુર પ્રતાપસિંહને રજૂઆત કરીને મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનામાં યોગ્ય તપાસ હાથ ધરવા અને જવાબદાર કર્મચારી સામે કડક પગલાં ભરવાની માગ કરી હતી. આ ઉપરાંત ગાયત્રીબા વાઘેલાએ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ED)ને પણ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરીને જરૂરી પગલાં ભરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.




