રાજ્યની પ્રથમ ઈંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ ન્યૂ ભગવતીપરામાં શરૂ
વૈશ્ર્વિક સ્પર્ધામાં વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવા રાજ્ય સરકારની ઐતિહાસિક પહેલ
- Advertisement -
સ્માર્ટ ક્લાસરૂમ, સાયન્સ અને કોમ્પ્યુટર લેબની આધુનિક સુવિધાઓ
1 હજાર વિદ્યાર્થીઓ ભણી શકે તેવું વિશાળ સંકુલ
મફત શિક્ષણની સાથે નિ:શુલ્ક પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ અપાશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
અંગ્રેજી ભાષા આજના સમયની વૈશ્વિક જરૂરિયાત બની ગઈ છે. રાજ્યના વિદ્યાર્થીઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે અને ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે, જેના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા રાજકોટ ખાતે રાજ્યની પ્રથમ અંગ્રેજી માધ્યમની સરકારી હાઈસ્કૂલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ખાનગી શાળાઓમાં ઊંચી ફી ચૂકવીને મળતું આધુનિક અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે સામાન્ય અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ આ સરકારી શાળામાં તદ્દન નિ:શુલ્ક ઉપલબ્ધ બન્યું છે.
શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યભરમાં આધુનિક સુવિધાઓથી સજ્જ અને નવીન અભિગમ ધરાવતી શાળાઓ વિકસાવવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટમાં તૈયાર કરાયેલું આ નૂતન સંકુલ ખાનગી શાળાઓને જોરદાર ટક્કર આપે તેવું હાઈટેક બનાવવામાં આવ્યું છે. આ શાળામાં સ્માર્ટ બોર્ડ ધરાવતા હાઈટેક વર્ગખંડો, પ્રાયોગિક જ્ઞાન માટે અદ્યતન સાયન્સ લેબોરેટરી અને ડિજિટલ એજ્યુકેશન માટે ખાસ કમ્પ્યુટર લેબની સુવિધા ઊભી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસની સાથે-સાથે તેમના શારીરિક અને સર્વાંગી વિકાસને પણ ખાસ ધ્યાને રાખવામાં આવ્યો છે. કુદરતના ખોળે અંદાજે 300 જેટલા ઘટાદાર વૃક્ષોની છાયામાં તૈયાર કરાયેલા આ વિશાળ સંકુલમાં 1,000 જેટલા વિદ્યાર્થીઓ એકસાથે બેસીને અભ્યાસ કરી શકશે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ ખેલ જગતમાં પણ આગળ વધી શકે તે માટે શાળા પરિસરમાં એક મોટું પ્લે ગ્રાઉન્ડ, સ્પોર્ટ્સ સંકુલ, ભવ્ય પ્રાર્થના ખંડ અને કેન્ટીન જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રાજકોટ ખાતે શરૂ કરાયેલી આ રાજ્યની પ્રથમ સરકારી અંગ્રેજી માધ્યમ હાઇસ્કૂલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્તરનું શિક્ષણ આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેનું સશક્ત માધ્યમ પૂરું પાડશે. આ શાળામાં પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓને તદ્દન મફત શિક્ષણની સાથે-સાથે નિ:શુલ્ક પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ સહાય તેમજ સરકારના નિયમોનુસાર મળવાપાત્ર સ્કોલરશીપ (શિષ્યવૃત્તિ) નો લાભ પણ આપવામાં આવશે.



