ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ ચૂકી છે. દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાખ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યાં માંગરોળમાં ૨૨.૨૦ ઈંચ, માળિયા હાટિનામાં ૧૪.૦૯ ઈંચ, ડાંગના વઘઈમાં ૧૩.૩૧, સુરતના અંબિકામાં ૧૩.૧૯ ઈંચ જેટલો વરસાદ નોંધાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જોકે આજે પણ હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ, અમરેલી,સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી તથા બે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, દમણમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, વડોદરા, ભરુચ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.
ગુજરાત હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર આગામી ૪ દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા હોવાથી માછીમારો માટે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લામાં આજે અતિ ભારે વરસાદનુ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સવારના ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીના બે કલાકના આંકડા સામે આવી ગયા છે. જે પ્રમાણે વલસાડના કપરાડામાં સૌથી વધુ ૧૮ મિ.મી. વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે ત્યારબાદ છોટા ઉદેપુરના કાવંતમાં ૧૫ મિ.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા બે કલાકમાં ૪૩ તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ છે.




