44 બેઠકમાંથી 38 પર ભાજપનો કબજો, વોર્ડ 6માં કોંગેસની પેનલ જીતી, અપક્ષને ફાળે એક બેઠક
ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧ વોર્ડની ૪૪ બેઠક પરનું ચૂંટણી પરિણામનું સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપની ૩૮, કોંગ્રેસની ૫ અને અપક્ષની ૧ બેઠક પર જીત થઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ ૫૯.૨૫% મતદાન નોંધાયું, જેમાં કુલ ૨,૫૯,૯૮૫ નોંધાયેલા મતદારોમાંથી ૧,૫૪,૦૪૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણીના પરિણામમાં ભાજપે મોટાભાગના વોર્ડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. વોર્ડ નંબર ૧, ૩, ૪, ૫, ૮, ૯, ૧૦ અને ૧૧ માં ભાજપે તમામ ૪-૪ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. વોર્ડ નંબર ૨માં ભાજપને ૩ બેઠકો મળી છે અને ૧ બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. જ્યારે વોર્ડ નંબર ૭માં ભાજપને ૩ બેઠકો અને કોંગ્રેસને ૧ બેઠક મળી છે. આ પરિણામોમાં સૌથી મોટો ઉલટફેર વોર્ડ નંબર ૬માં જોવા મળ્યો છે, જ્યાં કોંગ્રેસે તમામ ૪ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે અને ભાજપને એક પણ બેઠક મળી નથી. વોર્ડ નંબર ૧૧નાં કોંગ્રેસનાં ઉમેદવાર જ્યોત્સનાબેન સોલંકીએ મહિલા અનામત બેઠક પર ચૂંટણી પ્રક્રિયા અંગે સવાલો ઉઠાવ્યા છે. તેમણે મહિલાની બેઠક પર મહિલાને જ વિજેતા જાહેર કરવાની માગ સાથે તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના ઉમેદવારને ૯ હજાર મત મળ્યાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.




