ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરના માધ્યમથી યુવા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ
માહિતી વિભાગ અને પીઆર એજન્સીઓના સહારે મંત્રીઓ બન્યા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર
- Advertisement -
પળેપળની અપડેટ માટે સોશિયલ મીડિયા કંપનીઓને સોંપાયા કામ, લોકો વચ્ચે જવાનું અઘરું બનતાં સોશિયલ મીડિયાને જ નવું શસ્ત્ર બનાવ્યું હોવાનો સૂર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું શાસન છે, પરંતુ બદલાતા સમયની સાથે હવે શાસન કરવાની શૈલીમાં પણ મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીઓ હવે ગ્રાઉન્ડ ઝીરો પરના જનસંપર્કની સાથે સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ એટલા જ સક્રિય દેખાઈ રહ્યા છે. પ્રજાના પ્રશ્ર્નોને હલ કરવાના પ્રયાસોની સાથે સાથે સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાનું અને રીલ્સ બનાવીને પોતાની કામગીરીને ‘રૂપાડી’ રીતે રજૂ કરવાનું ઘેલું મંત્રીઓમાં જોવા મળી રહ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સોશિયલ મીડિયામાં વધુ ફોલોઅર્સ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપ્યું હતું, જેની અસર હવે મંત્રીમંડળમાં પણ જોવા મળી રહી છે. સરકારી કચેરીઓમાં પડતી મુશ્કેલીઓ અને માળખાકીય સુવિધાઓના પ્રશ્ર્નો વચ્ચે મંત્રીઓના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પર વિકાસના કાર્યોની ઝલક સતત જોવા મળે છે. મંત્રીઓ હવે માત્ર રાજનેતા જ નહીં પરંતુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે પણ ઉભરી રહ્યા છે, જેઓ ફોટા અને નિવેદનો દ્વારા પોતાની ડિજિટલ હાજરી મજબૂત કરી રહ્યા છે.
પ્રસાર-પ્રચારના માધ્યમથી લોકો સુધી પહોંચવા માટે અને મુખ્યમંત્રીની લોકપ્રિયતા વધારવા માટે સરકારી માહિતી વિભાગની ટીમ કાર્યરત છે, જ્યારે હર્ષ સંઘવી પોતે સોશિયલ મીડિયા પર અત્યંત એક્ટિવ રહીને પળેપળની વિગતો શેર કરી રહ્યા છે. ચર્ચા છે કે ઘણી પીઆર એજન્સીઓ પણ મંત્રીઓની ઇમેજ બિલ્ડિંગ માટે પડદા પાછળ કામ કરી રહી છે જેથી યુવા મતદારોમાં તેમની પકડ મજબૂત રહે. નવા જમાનાના આ શસ્ત્રનો ઉપયોગ કરવા માટે ઘણા મંત્રીઓએ પ્રોફેશનલ આઈટી કંપનીઓ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ફર્મ્સને ભાડે રાખી છે. દરેક મતદાર સુધી રૂબરૂ પહોંચવું શક્ય ન હોવાથી ડિજિટલ માધ્યમ સૌથી શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો છે. સરકાર પણ મંત્રીઓની આ ડિજિટલ કામગીરી પર નજર રાખી રહી છે. મંત્રીઓ દ્વારા મૂકવામાં આવતા ફોટા, વિડિયો અને રીલ્સ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો અને સાથે સાથે પોતાની વ્યક્તિગત લોકપ્રિયતા વધારવાનો છે.



