રાજકોટ ભાજપમાં અસંતોષ અને અણઘડ નિર્ણયોથી સંગઠન પર અસર
ઘરડા જ ગાડાં વાળે: જો સંગઠનાત્મક સુધારા અને વડીલ નેતૃત્વનો સક્રિય હસ્તક્ષેપ નહીં થાય તો ચૂંટણીમાં ચોક્કસ અસર પડવાની સંભાવના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર ભાજપમાં આંતરિક અસંતોષની પરિસ્થિતિ જોવા મળી રહી છે. શહેર સંગઠનમાં લેવાયેલા કેટલાક નિર્ણયો પર સવાલો ઊઠતા રહ્યા છે, અને આ નિર્ણયોમાં અનુભવના અભાવને કારણે પાર્ટીની વર્ષોથી ઊભી કરેલી છબી પર પણ અસર પડી હોવાનું રાજકીય વર્તુળોમાં હાલ ચર્ચાઈ રહ્યું છે. વર્ષોથી પરંપરા રહી છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે દરેક સમાજના શ્રેષ્ઠીઓ કાર્યક્રમમાં મોખરે સ્થાન આપવામાં આવતું તેમજ ફોર્મ ભરતી વખતે પણ તેમની ખાસ ઉપસ્થિતિ રહેતી. રાજકીય કાર્યક્રમમાં તેમની હાજરી મહત્વની માનવામાં આવતી હતી. આ ઉપરાંત પ્રચાર-પ્રસાર દરમિયાન પણ તેમનો મહત્વનો ફાળો રહેતો. પરંતુ હાલ ચિત્ર કંઇક અલગ જ જોવા મળી રહ્યુ છે. મહત્વના કાર્યક્રમમાં જ સમાજના શ્રેષ્ઠીઓ અને વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના રાજકીય માળખામાં મહત્વ ધરાવતા રાજકોટમાં ભાજપની શિસ્તબદ્ધ અને ગોઠવણયુક્ત છબી હંમેશાં મજબૂત રહી છે, પરંતુ સંગઠનના અંદરના સ્તરે અસંતોષ હોવા છતાં જાહેરમાં કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા ન આપવાનો વલણ અપનાવવામાં આવી રહ્યો છે, જે સ્થિતિને વધુ ગંભીર બનાવે છે. રાજકોટ ભાજપની શિસ્ત અને ગોઠવણી માટે સમગ્ર ગુજરાતમાં ઓળખાતી હતી, પરંતુ હાલની પરિસ્થિતિ કંઇક અલગ જ જોવા મળી રહી છે. આ ઉપરાંત, પક્ષમાં ડેમેજ કંટ્રોલ માટે જરૂરી વડીલ નેતૃત્વની અછત પણ સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. અગાઉ કોઈપણ વિવાદ કે અસંતોષ ઉભો થતો ત્યારે વડીલ નેતાઓ તરત જ હસ્તક્ષેપ કરીને પરિસ્થિતિ સંભાળી લેતા હતા, પરંતુ હાલ એવી કોઈ કાર્યવાહી નજરે પડતી નથી. પરિણામે, નાના મુદ્દાઓ પણ મોટા વિવાદમાં ફેરવાઈ રહ્યા છે. રાજકોટમાં 12 એપ્રિલને રવિવારે પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્ર્વકર્માની હાજરીમાં જનસેવા સંકલ્પ અને શપથવિધિ જેવા મહત્વના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ નેતા વજુભાઇ વાળા અને સમાજના આગેવાનો અને શ્રેષ્ઠિઓની ગેરહાજરીએ પાર્ટી માટે ચિંતાજનક સંકેતો આપ્યા છે. આ ઉપરાંત શનિવારે યોજાયેલા વિજય વિશ્ર્વાસ સંમેલન કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત ન હતા. તેમજ સ્થાનિક સ્તરે કાર્યકરોમાં પણ અસંતોષ વધતો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કેટલાક કાર્યકરો પોતાને અવગણવામાં આવ્યા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. રાજકીય વિશ્ર્લેષકોનું માનવું છે કે જો સમયસર સંગઠનાત્મક સુધારા અને વડીલ નેતૃત્વનો સક્રિય હસ્તક્ષેપ નહીં થાય, તો આવનારી ચૂંટણીમાં તેનો સીધો અસરકારક પ્રભાવ જોવા મળી શકે તેવી સંભાવના છે. આ સમગ્ર ઘટનાક્રમને ધ્યાનમાં લેતા એવું લાગી રહ્યું છે કે રાજકોટમાં ભાજપે પોતાનો પરંપરાગત જનાધાર અને સંગઠનાત્મક મજબૂતી ફરી સ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.
વરિષ્ઠ નેતાની ગેરહાજરી સામાન્ય ઘટના નથી
- Advertisement -
ખાસ નોંધપાત્ર બાબત એ છે કે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા જેવા વરિષ્ઠ અને પ્રભાવશાળી નેતા પક્ષના બે મહત્વના કાર્યક્રમોમાં સૂચક રીતે ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીને રાજકીય વર્તુળોમાં સામાન્ય ઘટના તરીકે નહીં પરંતુ સંકેતરૂપ માનવામાં આવી રહી છે. ત્યારે પ્રશ્ર્ન એ ઉભો થાય છે કે તેમને આંમત્રણ નથી મળ્યુ કે અન્ય કોઇ કારણ જવાબદાર છે?



