ચૂંટણી પહેલા જ રિસોર્ટ પોલિટિક્સ જેવો ઘાટ, કોંગ્રેસે ઉમેદવારોને સુરક્ષિત કર્યા
કૉંગ્રેસના 25 ઉમેદવારોને ભાજપથી બચાવવા અજ્ઞાત સ્થળે લઈ જવાયા: કૉંગ્રેસના ઉમેદવારોના ફોન બંધ
- Advertisement -
ભાજપ દબાવવાના પ્રયાસો કરે છે, એક પણ ઉમેદવાર ફોર્મ પરત નહીં ખેંચે: ડો. રાજદિપસિંહ જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે 15 એપ્રિલ સુધી રાજનીતિનો ખેલ ખેલાશે. કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે અને હવે તેમની વાડાબંધી શરૂ કરી દેવાઈ છે. તો આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે.
રાજકોટમાં પ્રથમવાર કોંગ્રેસે ભાજપ કરતા વહેલી યાદી બહાર પાડી, કોઈનું ફોર્મ રદ થયું નથી ત્યારે કોંગ્રેસના રાજકારણમાં નવોદિત ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવીને ચૂંટણી બીનહરીફ કરવાના કાવાદાવા શરુ થતા કોંગ્રેસના 65થી વધુ ઉમેદવારોને ભાજપના કોઈ નેતા સંપર્ક ન કરી શકે તે રીતે અજ્ઞાત સ્થળે લઈ જવાયા છે.
આ અંગે શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આ વખતે શાસકપક્ષ સામે લોકોમાં રોષ અને આંતરિક વિખવાદોથી ભાજપને જીતવું અઘરું લાગતા તેને ફાયદો થાય તે રીતે કેટલાક તત્વોએ અમારા લોપ્રોફાઈલ, શાંતિપ્રિય સભ્યોનો સંપર્ક સાધીને ફોર્મ પાછુ ખેંચવા ધમકાવવા અને લલચાવવા પ્રયાસો કર્યાના ચાર-પાંચ કિસ્સા અમારે ધ્યાનમાં આવ્યા છે. આ અન્વયે અમે ઉમેદવારોને તા. 15ના ફોર્મ પાછું ખેંચવાની અંતિમ તારીખના અંતિમ સમય સુધી ગુપ્ત સ્થળે સાચવવાનો નિર્ણય લીધો છે.
આ ઉપરાંત રાજકોટમાં વોર્ડ નં. 3,7, 15 સહિતના મોટાભાગના વોર્ડમાં જે સ્થાનિક નેતાઓ સક્ષમ છે તેમને તેમના વોર્ડની પેનલમાં કોઈ પણ ઉમેદવારને ડરાવવા કે લલચાવવા પ્રયાસ ન થાય તે માટે પેનલને અંકબંધ રાખવા જવાબદારી અપાઈ છે. રાજકોટ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે અમારી લડત એ ભાજપ નામના શાસકપક્ષ સામે નથી પરંતુ, અંગ્રેજો જેવા પક્ષપાતી શાસકો સામે છે, તંત્ર પણ અમને કેટલું રક્ષણ,ન્યાય,સહયોગ આપે તે પણ સવાલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોગ્રેસના ઉમેદવારને ધમકાવવાના પ્રયાસ અન્વયે કોંગ્રેસના કાર્યકરોનું ટોળુ ગઈકાલે રૈયા વિસ્તારમાં ધસી જઈને સામો જવાબ આપવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન આપ દ્વારા સાવચેતીના ભાગરૂપે 40 કરતા વધુ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
- Advertisement -
અમારી પાસે આવો ફાલતુ સમય નથી: માધવ દવે
ગુજરાતમાં આગામી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકોટમાં રાજકીય માહોલ તંગ બન્યો છે. કોંગ્રેસે તેના 25 જેટલા ઉમેદવારોને હોર્સ ટ્રેડિંગ અને ભાજપના દબાણથી બચાવવા માટે અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. આ ગંભીર આક્ષેપો પર રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ વળતો પ્રહાર કર્યો છે. માધવ દવેએ કોંગ્રેસના આક્ષેપોને હસી કાઢતા જણાવ્યું હતું કે, “આવી વાતો માત્ર રાજકીય સ્ટંટ છે. ભાજપ અત્યારે સંગઠન અને વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડવાની તૈયારીમાં વ્યસ્ત છે. અમારી પાસે કોંગ્રેસના ઉમેદવારોનો સંપર્ક કરવા કે તેમને ડરાવવાનો સમય જ નથી.”
સુરતમાં પણ 40 ઉમેદવાર અંડરગ્રાઉન્ડ, પરિવાર સાથે પણ સંપર્ક પર મનાઈ
બીજી તરફ સુરતમાં પણ મનપાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પોતાના 40 જેટલા મજબૂત ઉમેદવારોને 11 જેટલા ગુપ્ત સ્થળો પર ખસેડી દીધા છે. હાઈકમાન્ડના આદેશથી લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ વિરોધી પક્ષો દ્વારા થઈ શકતા સંભવિત સંપર્કને રોકવાનો અને પક્ષમાં કોઈ પણ પ્રકારની ‘રમત’ થતી અટકાવવાનો છે. શહેરથી દૂર આવેલા આ ‘સેફ હાઉસ’ની જાણકારી માત્ર ગણ્યાગાંઠ્યા પ્રદેશ નેતાઓને જ છે.



