રાજકોટમાં વોર્ડ નં.18ના ભાજપ કોર્પોરેટર સંજયસિંહ રાણાની વિવાદાસ્પદ ચેટથી રાજકારણ ગરમાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના રાજકારણમાં છેલ્લા કેટલાક કલાકોથી ઉહાપોહ મચાવતી એક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં ભાજપના વોર્ડ નંબર-18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા સાથે સંબંધિત હોવાનું જણાવાતા કેટલાક ચેટના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. આ સ્ક્રીનશોટમાં એક મહિલા કાર્યકર્તા સાથે થયેલી ચર્ચા દર્શાવવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે.
પ્રાથમિક માહિતી મુજબ, વાયરલ થયેલા સ્ક્રીનશોટમાં સંજયસિંહ રાણા નામ દર્શાવવામાં આવ્યું છે અને તેમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ થયાનો આરોપ સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, આ ચેટના સ્ક્રીનશોટની સચ્ચાઈ અને તેની પ્રામાણિકતા અંગે હજી સુધી કોઈ સત્તાવાર સ્તરે પુષ્ટિ કરવામાં આવી નથી. સંબંધિત પક્ષો તરફથી પણ આ અંગે સ્પષ્ટ નિવેદન મળવાનું બાકી છે.
રાજકોટ ભાજપનું નવું સંગઠન જાહેર થયાને થોડો સમય જ થયો છે ત્યારે આવી ઘટના બહાર આવતાં સ્થાનિક રાજકીય માહોલમાં ચકચાર ફેલાઈ છે. પક્ષના કાર્યકર્તાઓ તેમજ રાજકીય વિશ્લેષકો આ મુદ્દે અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
વાયરલ થયેલી ચેટના સ્ક્રીનશોટમાં કોર્પોરેટરનો ફોટો પણ દર્શાવવામાં આવ્યો હોવાનો દાવો છે, જેના કારણે આ મુદ્દે ચર્ચા વધુ તીવ્ર બની છે. સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓની પૃષ્ઠભૂમિમાં આ ઘટનાએ રાજકીય પરિસ્થિતિને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે અને પક્ષની છબી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાને લઈને ભાજપના સ્થાનિક નેતૃત્વ તરફથી સત્તાવાર પ્રતિભાવ મળ્યા બાદ જ હકીકત અંગે સ્પષ્ટતા શક્ય બનશે. રાજકીય વર્તુળોમાં માનવામાં આવી રહ્યું છે કે જો ચેટની પ્રામાણિકતા સાબિત થાય તો સંગઠનાત્મક સ્તરે કાર્યવાહી થઈ શકે છે, જ્યારે બીજી તરફ જો આ માહિતી ભ્રામક સાબિત થાય તો કાનૂની પગલાં પણ લેવામાં આવી શકે છે. હાલમાં, વાયરલ પોસ્ટ્સને આધારે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સત્તાવાર તપાસ અને પક્ષની સ્પષ્ટતા પર સૌની નજર ટકેલી છે.
અગાઉ પણ કોર્પોરેટર સંજયસિંહ રાણા વિવાદમાં ફસાય હતા
આ અગાઉ પણ કોર્પોરેટર સંજયસિંહ રાણા વિવાદમાં આવ્યા હતા. કોઠારિયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતી વૈશાલીએ નજીકમાં રહેતી તેની માતા આશાબેન ગોહેલના ઘરે જઈ ફિનાઈલ પી લેતા તેને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. વૈશાલીના છૂટાછેડા વખતે મળેલા રૂ. 13.75 લાખ થોડા સમય માટે તેની માતાએ પોતાના ઘરે રાખ્યા હતા. બાદમાં જ્યારે વૈશાલીએ રકમ પરત માંગી ત્યારે માતાએ તેમાંથી રૂ. 50 હજાર કાપી લીધા હતા આપઘાતનો પ્રયાસ કરનાર વૈશાલીની માતા અને સંજયસિંહ રાણાની ચેટ વાયરલ થઈ હતી.



