દુનિયાનું સૌથી મોટું ઓપન ડ્રગ માર્કેટ
કેન્સિંગ્ટન વિસ્તારમાં ડ્રગ્સના કારણે માનવતા મરી પરવારી, રસ્તાઓ પર નરક જેવો નજારો
- Advertisement -
અમેરિકાના ફિલાડેલ્ફિયામાં ‘ઝોમ્બી ડ્રગ્સ’નો કહેર, જીવતાં જાગતાં લોકોની હાલત લાશ જેવી થઈ
પશુઓના એનેસ્થેસિયામાંથી બનતું ઘાતક ‘ટ્રાન્ક’ ડ્રગ્સ જેનાથી શરીરના અંગો સડી રહ્યા હોવા છતાં લોકો નશો કરવા મજબૂર
અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યના ફિલાડેલ્ફિયામાં આવેલો કેન્સિંગ્ટન વિસ્તાર હાલમાં માનવતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. અહીં રસ્તાઓ પર ડ્રગ્સના નશામાં ચૂર લોકોની હાલત જોઈને લાગે છે કે જાણે કોઈ હોલીવુડની હોરર ફિલ્મનો ’ઝોમ્બી’ સીન જોઈ રહ્યા હોઈએ. વાશિંગ્ટન ડીસી અને ન્યૂયોર્ક જેવા અત્યાધુનિક શહેરોની નજીક હોવા છતાં, આ વિસ્તાર વિશ્વનું સૌથી મોટું ઓપન ડ્રગ માર્કેટ બની ગયું છે, જ્યાં માનવ જીવનની કોઈ કિંમત રહી નથી. આ ભયાનક સ્થિતિ પાછળ ’ટ્રાન્ક’ નામનું નવું ડ્રગ મિશ્રણ જવાબદાર છે. આ ડ્રગ ફેન્ટાનાઈલ અને ’ઝાયલાઝીન’ને ભેળવીને બનાવવામાં આવે છે. ઝાયલાઝીન એ હકીકતમાં ઘોડા કે અન્ય પશુઓને બેહોશ કરવા માટે વપરાતું મેડિકલ એનેસ્થેસિયા છે. જ્યારે મનુષ્ય આનો નશો કરે છે, ત્યારે તેનું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ એકદમ ઘટી જાય છે. આ ડ્રગના કારણે શરીરમાં લોહીનું ભ્રમણ અટકી જાય છે, પરિણામે જ્યાં ઇન્જેક્શન મારવામાં આવે છે ત્યાંની ચામડી અને માંસ સડવા લાગે છે. જેને તબીબી ભાષામાં ’નેક્રોસિસ’ કહેવામાં આવે છે, જેમાં અંગો કાળા પડી જાય છે અને અંતે કાપી નાખવા પડે છે.
કેન્સિંગ્ટનની ગલીઓમાં હજારો લોકો બેઘર હાલતમાં છે. અહીં ડ્રગ્સ એટલું સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ છે કે લોકો માત્ર થોડા ડોલરમાં નરક ખરીદી રહ્યા છે. ઘણા લોકો ડિપ્રેશન, માનસિક રોગ કે કોઈ જૂના આઘાતને ભૂલવા માટે નશાની શરૂઆત કરે છે, પરંતુ એકવાર ’ટ્રાન્ક’ના રવાડે ચડ્યા પછી શરીર તેની એવી માંગ કરે છે કે નશો ન મળતા અસહ્ય પીડા અને ઉલ્ટીઓ થાય છે. વિડીયોમાં જોવા મળતો જોન નામનો યુવક માત્ર 34 વર્ષનો છે, પણ તેના પગ સડી ગયા છે. તે સ્વીકારે છે કે આ નશો તેને મારી નાખશે, છતાં તે તેને છોડી શકતો નથી કારણ કે હોસ્પિટલોમાં પણ આવા દર્દીઓ માટે યોગ્ય સારવારનો અભાવ છે. આ ડ્રગ્સ માત્ર વ્યક્તિને જ નહીં પણ આખા પરિવારને ખતમ કરી રહ્યું છે. અહીં એવા અનેક કિસ્સાઓ છે જ્યાં માતા-પિતા નશો કરતા હોય તેને જોઈને સંતાનો પણ નશાના રસ્તે ચડી ગયા હોય. ઘણા માતા-પિતા પોતાના લાપતા થયેલા બાળકોના ફોટા લઈને રસ્તા પર ભટકે છે, જેઓ આ ડ્રગ માર્કેટમાં ક્યાંક ખોવાઈ ગયા છે. આ વિસ્તારના રહીશો હવે ડરના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. જે લોકો પાસે સગવડ છે તેઓ આ વિસ્તાર છોડીને ભાગી રહ્યા છે, પરંતુ ગરીબ વર્ગ આ ગંદકીમાં ફસાયેલો છે. પોલીસ અને સ્થાનિક તંત્રની નિષ્ફળતાને કારણે આજે આ ’અમેરિકન ડ્રીમ’ એક ભયાનક દુ:સ્વપ્ન બની ગયું છે. આખરે, કેન્સિંગ્ટન આજે એક એવું જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે નશો, ગરીબી અને તંત્રની નિષ્ફળતા મળીને એક સમગ્ર સમાજને નષ્ટ કરી શકે છે. ‘અમેરિકન ડ્રીમ’નું સ્વપ્ન અહીં એક ડરામણું દુ:સ્વપ્ન બની ગયું છે-જ્યાં જીવતા માણસો રોજિંદા જીવનમાં ધીમે ધીમે મરી રહ્યા છે.
- Advertisement -
શું છે આ ‘ઝોમ્બી ડ્રગ’ (ટ્રાન્ક)?
આ ડ્રગ ફેન્ટાનાઈલ અને ‘ઝાયલાઝીન’ (ડુહફુશક્ષય) નામના કેમિકલનું મિશ્રણ છે.
વાસ્તવમાં આ કેમિકલ ઘોડા, ગાય કે અન્ય મોટા પશુઓને ઓપરેશન વખતે બેભાન કરવા માટે વપરાતું એનેસ્થેસિયા છે.
જ્યારે મનુષ્ય આનો નશો કરે છે, ત્યારે તેનું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ જોખમી સ્તર સુધી ઘટી જાય છે. આ ડ્રગના કારણે લોહીનું પરિભ્રમણ ખોરવાય છે, પરિણામે ચામડીના કોષો મરવા લાગે છે.
કેમ કહેવાય છે ‘ઝોમ્બી ડ્રગ’?
આ ડ્રગ લેનાર વ્યક્તિની હાલત ‘ઝોમ્બી’ (જીવતી લાશ) જેવી થઈ જાય છે:
જે અંગ પર ઇન્જેક્શન લેવામાં આવે છે ત્યાં ‘નેક્રોસિસ’ નામની પ્રક્રિયા શરૂ થાય છે, જેમાં માંસ જીવતેજીવ સડવા લાગે છે અને તેમાંથી અસહ્ય દુર્ગંધ આવે છે.
શરીરમાં એવા ઊંડા ઘા પડે છે જે ક્યારેય રુઝાતા નથી. ઘણીવાર ઇન્ફેક્શન એટલું વધી જાય છે કે વ્યક્તિનો હાથ કે પગ કાપી નાખવો પડે છે.
નશો કર્યા પછી વ્યક્તિ કલાકો સુધી વિચિત્ર પોઝિશનમાં સ્થિર ઉભી રહે છે અથવા રસ્તા પર ઢળી પડે છે, તેને પોતાની આસપાસનું કોઈ ભાન હોતું નથી.



