ફી માટે દબાણ, ટેસ્ટમાં બેસવા ન દેવા સહિતના ગંભીર આક્ષેપ : તપાસ નહીં થાય તો કોંગ્રેસની ‘હલ્લાબોલ’ની ચીમકી
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટની પેડક રોડ પર આવેલી ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ સામે શિક્ષણનો અધિકાર અધિનિયમ (RTE-2009) હેઠળ અભ્યાસ કરતી ધો.૪ ની બે વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવ, ગેરકાયદેસર રીતે ફી માંગવા અને માનસિક હેરાનગતિ કરવા અંગે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂત દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, RTE અધિનિયમ હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફી સરકાર દ્વારા નિયમાનુસાર શાળાને ચૂકવવામાં આવે છે. તેમ છતાં શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીના વાલી પાસેથી રૂ. 4,000 રોકડ માંગવામાં આવ્યા હતા. વાલીએ સત્તાવાર પહોંચ (રસીદ) માંગતા શાળા દ્વારા પહોંચ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને રોકડ રકમ જ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
આક્ષેપ મુજબ, ગેરકાયદેસર રીતે માંગવામાં આવેલી ફી ન ભરવાના કારણે વિદ્યાર્થીનીને દર અઠવાડિયે લેવાતી ટેસ્ટમાં બેસવા દેવામાં આવતી નથી, ક્લાસની બહાર ઊભી રાખવામાં આવે છે, “પહેલા ફી ભરો, પછી જ ક્લાસમાં બેસવા મળશે” કહી માનસિક દબાણ કરવામાં આવે છે તેમજ વાલી મિટિંગ અંગે પણ તેના વાલીઓને જાણ કરવામાં આવતી નથી. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે શાળામાં RTE હેઠળ અભ્યાસ કરતી અન્ય એક વિદ્યાર્થીની પણ આ જ પ્રકારની હેરાનગતિ અને ભેદભાવનો ભોગ બની રહી છે. રજુઆતમાં જણાવાયું છે કે RTE અધિનિયમ-2009 મુજબ દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર પ્રાપ્ત છે તથા RTE હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ફીની જવાબદારી સરકારની છે. આવા સંજોગોમાં વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી માંગવી, રોકડ રકમ લઈ તેની પહોંચ ન આપવી તેમજ ફીના બહાને બાળકને પરીક્ષા અને શૈક્ષણિક પ્રવૃત્તિઓથી વંચિત રાખવું કાયદાની જોગવાઈઓ અને બાળકના શિક્ષણના અધિકારનું ગંભીર ઉલ્લંઘન હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
રોહિતસિંહ રાજપૂતે રજૂઆતમાં જણાવ્યું છે કે આ પ્રકારની માનસિક હેરાનગતિ બાળકના આત્મવિશ્વાસ અને શૈક્ષણિક વિકાસ પર ગંભીર અસર કરે છે. તેથી સમગ્ર મામલાની મહિલા વરિષ્ઠ અધિકારી મારફતે નિષ્પક્ષ તપાસ કરાવવા, બંને વિદ્યાર્થીનીઓનું કાઉન્સેલિંગ કરાવવા, શાળાના CCTV ફૂટેજ, ટેસ્ટ રેકોર્ડ અને ફી સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવા તેમજ જવાબદાર ટ્રસ્ટી, સંચાલકો અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર તેમજ ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ બાદ શાળા સંચાલક દ્વારા કેટલાક અખબારોમાં અન્ય બે વિદ્યાર્થીઓની ફી બાકી હોવાથી તેમની પાસેથી ફી માંગવામાં આવી હોવાનું નિવેદન આપી બચાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ફરિયાદી વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ પોતાની કુલ ચાર દીકરીઓ આ જ શાળામાં અભ્યાસ કરતી હોવાનું તથા RTE હેઠળ અભ્યાસ કરતી એક દીકરી સિવાય અન્ય ત્રણેય દીકરીઓની જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાની ફી અગાઉથી જ ભરપાઈ કરી હોવાની સત્તાવાર રસીદો રજૂ કરતાં શાળા સંચાલકનો દાવો પાયાવિહોણો હોવાનું બહાર આવ્યું હતું.
- Advertisement -
રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ કરી બંને વિદ્યાર્થીનીઓને ન્યાય અપાવવાની ખાતરી આપી છે. જો શાળા સંચાલન પોતાનું વલણ નહીં બદલે અથવા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા શાળા સામે “હલ્લાબોલ” કાર્યક્રમ આપવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.




