આર્થિક ગુના નિવારણની ટીમ દ્વારા ગુનો નોંધી આરોપીની શોધખોળ
રાજકોટ શહેરમાં ઓનલાઈન શેર ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાની ઠગાઈનો વધુ એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આવેલ શીતલપાર્ક વિસ્તારમાં રહેતા અને એકાઉન્ટિંગનું કામ કરતા મિતેષપરી રાજેશપરી ગોસાઈ સાથે શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી રૂ.૪.૧૨ લાખની છેતરપીડી થયાની ફરીયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખા (LOW) ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ૧૫૦ ફુટ રીંગ શીતલપાર્કમાં રહેતા મિતેષભાઈ રાજેશભાઈ ગોસાઈએ ફરીયાદ કરી હતી. જેમા આરોપી તરીકે મહારાષ્ટ્રના નાશીક રહેતો નરેશ સેવક રામાણીનું નામ આપ્યુહતુ. ફરીયાદમાં જણાવ્યુ હતુ કે સને. ૨૦૨૧માં સોશિયલ મીડિયા મારફતે તેમનો સંપર્ક મહારાષ્ટ્રના નાસિક ખાતે રહેતા નરેશભાઈ સેવક રામાણી સાથે થયો હતો. આરોપી નરેશે શરૂઆતમાં કોઈ પણ કમિશન લીધા વિના ટ્રેડિંગ શીખવવાની અને રોકાણ કરાવવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ઓનલાઈન સાઈટ પર આઈડી-પાસવર્ડ જનરેટ કરાવીને અલગ-અલગ ડમી કંપનીઓ અને બેંક ખાતાઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. દરમ્યાન મીતેષભાઈએ અલગ-અલગ બેંક એકાઉન્ટ્સમાં કુલ રૂ. ૬,૩૫ કરોડ રોકાણ પેટે ટ્રાન્સફર કર્યા હતા. જેમાંથી રૂ. ૪ કરોડ પરત ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૬માં સાઈટ પર આશરે રૂ. ૨ કરોડનો નફો બતાવતા ફરિયાદીએ રકમ ઉપાડવા માટે પ્રયાસ કર્યો, ત્યારે લિંક પર એરર આવવા લાગી હતી. આરોપીએ પહેલાં બે દિવસમાં સિસ્ટમ સરખી થઈ જશે તેવી ખાતરી આપી અને ત્યારબાદ ફોન બંધ કરી લોગઈન આઈડી તથા વેબસાઈટ સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી. છેતરપીંડી આચરી નાસી ગયાનુ જણાવતા એએસઆઈ ચુડાસમા સહીતની ટીમે ગુનો નોધી આરોપીની શોધખોળ કરી છે.




