ઘરમાં જાલીનોટ છાપનાર આરોપી કિશન સોલંકીની પૂછપરછમાં ખુલાસો
રાજકોટના માંડાડુંગર પાસે શ્યામ કિરણ પાર્ક શેરી નં.૩માં રહેતા રિક્ષા ચાલક કિશન સોલંકી (ઉ.વ.૩૦)ને એસઓજી અને ક્રાઈમ બ્રાંચે મળી રૂા. ૫૦૦ અને રૂા. ૧૦૦ના દરની ૨૧૯ જાલીનોટ સાથે ઝડપી લીધા બાદ આજે તેને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ આગળ ધપાવી છે.એસઓજીને એવી માહિતી મળી છે કે, ત્રણેક માસ પહેલા કિશનનો ઇન્સ્ટા મારફત મધ્યપ્રદેશના દિપક સિરવી સાથે સંપર્ક થયા બાદ તેણે જાલીનોટ કઈ રીતે છાપવી તેને લગતા વીડિયો ટેલીગ્રમ ઉપર મોકલ્યા હતા. આ માટે ક્યા-ક્યા ડિવાઈસની જરૂર પડે છે તેની પણ માહિતી આપી હતી.જેના આધારે કિશને સેકન્ડ હેન્ડ કમ્પ્યુટર, પ્રિન્ટર કમ સ્કેનર વગેરેની ખરીદી કરી ત્રણેક માસ પહેલા ઘરમાં જ જાલીનોટો છાપવાનું શરૂ કર્યું હતું. જોકે
તેનો કાગળ હલકી ગુણવત્તાનો હોવાથી કોઈ લેતું ન હતું. આ સ્થિતિમાં તેણે તાજેતરમાં યોજાયેલા લોકમેળામાં જઈ ૪૦થી વધુ ૧૦૦ના દરની જાલીનોટ વટાવી લીધી હતી. તેણે ખાણીપીણી, રાઇડ્સમાં બેસવા માટે જાલીનોટો આપી હતી. જે ખપી ગઇ હતી.વળી તે રિક્ષા ચલાવતો હોવાથી અમૂક ગ્રાહકને પણ જાલીનોટ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોટાભાગે તેમાં નિષ્ફળતા મળી હતી. માત્ર લોકમેળામાં જ ગીરદીને કારણે વેપારીઓ પાસે સમય ન હોવાથી તેની જાલી નોટો વટાવાઈ ગઈ હતી. તેણે એક મિત્રને પણ રૂા.૧૦૦ના દરની પાંચેક હજાર રૂપિયાની જાલી નોટ આપ્યાની માહિતી મળતાં તે અંગે એસઓજીએ ખરાઇ શરૂ કરી છે.
તેને જાલીનોટ છાપવાનું શીખવનાર મધ્યપ્રદેશના દિપક સિરવીની ઓળખ મેળવી તેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. કિશન સામે અત્યાર સુધીમાં દારૂ સહિત બે ગુના નોંધાયેલા છે. અગાઉ શાકભાજી વેંચતો, હાલ રિક્ષા ચલાવતો હતો.




