પ્રવેશ માટે આચાર્ય કે સંસ્થાના વડાની લેખિત મંજૂરી જરૂરી
સરકારી અને કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
- Advertisement -
મંજૂરી વિના રીલ્સ બનાવી તો POCSO હેઠળ ગુનો નોંધાશે
બાળકોની સુરક્ષા, ગોપનીયતા અને હિતને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ
ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે સ્કૂલમાં પ્રવેશવા માટે આચાર્યની લેખિત મંજૂરી ફરજિયાત છે. દાહોદની ઘટના બાદ શિક્ષણ વિભાગે જાહેર કરેલી આ માર્ગદર્શિકા મુજબ, મંજૂરી વિના ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી કે ઓડિયો રેકોર્ડિંગ કરવા પર કાયદેસરની કાર્યવાહી થશે. આ નિયમોનો ભંગ કરનાર સામે પોક્સો અને IT એક્ટ હેઠળ પગલાં લેવાશે.
- Advertisement -
ગુજરાત સરકારે રાજ્યની સરકારી અને કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને બાહ્ય તથા બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ અંગેની માર્ગદર્શિકા જાહેર કરી છે. હવે સ્કૂલમાં પ્રવેશવા માટે આચાર્ય અથવા સંસ્થાના વડાની પૂર્વ લેખિત મંજૂરી લેવી પડશે. આ ઉપરાંત, મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો કે સ્કૂલની પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને ઓડિયો રેકોર્ડિંગ પણ કરી શકાશે નહીં. દાહોદમાં બનેલી ઘટના બાદ આ નિર્ણય મહત્ત્વનો માનવામાં આવે છે. શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ, નિયમોનો ભંગ કરીને પ્રવેશ કરનાર અથવા બિનઅધિકૃત રીતે રેકોર્ડિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
નવી માર્ગદર્શિકા મુજબ, વાલીઓ અને અધિકૃત શૈક્ષણિક અધિકારીઓ તથા સંકલનકારો સિવાયની બાહ્ય વ્યક્તિઓએ સ્કૂલમાં પ્રવેશતાં પહેલાં આચાર્ય અથવા સંસ્થાના વડાની લેખિત મંજૂરી લેવી પડશે. સ્કૂલમાં પ્રવેશતા દરેક મુલાકાતીએ રજિસ્ટરમાં પોતાની વિગતો પણ નોંધાવવાની રહેશે. મંજૂરી વિના ક્લાસરૂમ, પ્રયોગશાળા, લાઇબ્રેરી, હોસ્ટેલ, મેદાન કે શૌચાલય સહિતના વિસ્તારોમાં પ્રવેશ કરી શકાશે નહીં. શિક્ષણ વિભાગે નિરીક્ષણ અધિકારીઓને પણ આ નિયમોનું પાલન કરાવવા માટે સૂચના આપી છે.
સ્કૂલમાં આચાર્યની લેખિત મંજૂરી વિના વિદ્યાર્થીઓ, શિક્ષકો અથવા શૈક્ષણિક પ્રવૃત્તિઓની ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરી શકાશે નહીં. આ ઉપરાંત, ઇન્ટરવ્યૂ, ઓડિયો રેકોર્ડિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ જેવી પ્રવૃત્તિઓ માટે પણ મંજૂરી લેવી પડશે. સ્કૂલના સમય દરમિયાન મનોરંજન માટે રીલ્સ કે શોર્ટ વીડિયો બનાવવા સામે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષા, ગોપનીયતા અને હિતને જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ છે. પરિપત્રમાં પોક્સો એક્ટ, બાળ સંભાળ અને સંરક્ષણ સંબંધિત કાયદા તથા આઇટી એક્ટ હેઠળ કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકીય કે સરકારી કાર્યક્રમો થશે? નેતાઓ પ્રવેશ માટે મંજૂરી લેશે?
સરકારની આ માર્ગદર્શિકા બાદ સરકારી સ્કૂલોમાં યોજાતા રાજકીય અને સરકારી કાર્યક્રમોને લઈને પણ સવાલો ઊભા થયા છે. આવા કાર્યક્રમોમાં નેતાઓ, પક્ષના હોદ્દેદારો અને અન્ય બાહ્ય વ્યક્તિઓ સ્કૂલમાં પ્રવેશે ત્યારે તેમના માટે પણ લેખિત મંજૂરીની જોગવાઈ કેવી રીતે લાગુ પડશે તે મુદ્દો ચર્ચામાં છે. સ્કૂલોમાં યોજાતા કાર્યક્રમો દરમિયાન ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી માટે કઈ પ્રક્રિયા અપનાવવી પડશે તે અંગે પણ માર્ગદર્શિકાના અમલ દરમિયાન સ્પષ્ટતા મહત્ત્વપૂર્ણ રહેશે.
રાજસ્થાન અને દિલ્હી સરકાર પણ નિયમો લાગુ કરી ચૂકી છે
દેશમાં રાજસ્થાન સરકારે ઓગસ્ટમાં સરકારી સ્કૂલોમાં બાહ્ય વ્યક્તિઓના પ્રવેશને નિયંત્રિત કરતી માર્ગદર્શિકા લાગુ કરી હતી. આ પહેલાં માર્ચમાં દિલ્હી સરકારે પણ સરકારી અને મ્યુનિસિપલ સ્કૂલોમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાહ્ય વ્યક્તિઓના પ્રવેશ તથા ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી પર નિયંત્રણ મૂક્યું હતું. હવે ગુજરાત સરકારે પણ સરકારી સ્કૂલોમાં પ્રવેશ અને રેકોર્ડિંગ માટેના નિયમો કડક કર્યા છે.




